જંગલેશ્વરમાં રસ્તાનું કામ ત્રણ મહિને માંડ ૩૫% થયું: અધિકારીઓએ કહ્યું હતું, દસ દિ’માં રોડ બની જશે!
૨૮ માર્ચે મુખ્યમંત્રીના હસ્તે કામનું ખાતમુહૂર્ત કરાયું હતું: સવા બે કિલોમીટરનો રસ્તો ૪૫ ફૂટ પહોળો કરી નવો બનાવવા ૫.૬૭ કરોડના ખર્ચે મારૂતિનંદન એજન્સીને અપાયું છે કામ
ચાર મહિનામાં કામ પૂર્ણ કરવાની અપાઈ હતી મુદ્દત: ચોમાસું બેસી જવાથી હવે કામ થશે બંધ
રાજકોટ મહાપાલિકા દ્વારા જંગલેશ્વરમાં ૧૫૦૪ ગેરકાયદે મકાન-દુકાન તોડી પાડી ૩૫૦ કરોડ રૂપિયાની ૮૮૭૫૦ ચોરસમીટર જગ્યા ખુલ્લી કરાવી હતી. જ્યારે આ ડિમોલિશનનું `પ્લાનિંગ’ કરવામાં આવ્યું ત્યારે તંત્ર દ્વારા બે કરોડ રૂપિયા આસપાસ ખર્ચ થવાની ધારણા વ્યક્ત કરાઈ હતી પરંતુ હવે ખર્ચની આ રકમ `અચાનક’ જ ત્રણેક કરોડ રૂપિયાને આંબી જાય તેવી શક્યતા હોય લોકોને `બેઘર’ કરવાની આ કાર્યવાહીમાં કરાયેલા આંધળા ખર્ચનો પડઘા રાજકોટથી લઈ ગાંધીનગર સુધી પડ્યા છે. ભોજન, નાસ્તો, પાણી, વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી, ડ્રોનશૂટિંગ સહિતના પાછળ જોયા-જાણ્યા-સમજ્યા વગર ખર્ચ કરાયો હોય હવે તેને ક્યારે અને કેવી રીતે મંજૂરી અપાય છે તેના પર સૌની નજર રહેશે પરંતુ જેના માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું તે રસ્તો પહોળો તેમજ પાક્કો કરવાના કામમાં મોટો `ફોલ્ટ’ સામે આવ્યો છે. અહીં રસ્તાનું કામ શરૂ થયાને ત્રણ મહિના પૂર્ણ થઈ ગયા છે આમ છતાં હજુ ૩૫% જ કામ પૂરું થયાનું જાણવા મળ્યું છે.
જંગલેશ્વરમાં બાપુનગરથી નાડોદાનગર સુધીના સવા બે કિલોમીટરના રસ્તાને ૧૫ મીટર (૪૫ ફૂટ) પહોળો કરવાના કામનું ૨૮ માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામ મારૂતિનંદન એજન્સીને ૫.૬૭ કરોડ રૂપિયામાં આપવામાં આવ્યું હતું અને ચાર મહિનામાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. ૨૮ માર્ચથી લઈ ૨૮ જૂન સુધીમાં આ કામ માંડ ૩૫% પૂર્ણ થયું છે. જાણવા મળ્યા પ્રમાણે સવા બે કિલોમીટરમાંથી ૭૧૦ મીટરનું જ કામ હજુ થઈ શક્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાંચેક દિવસથી કામ બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે ચોમાસામાં થાય તેવી શક્યતા પણ ન હોય આ કામ પૂર્ણ થતાં બીજા ચાર મહિના લાગી જશે.
આ પણ વાંચો: પહેલાં અમે મુકેલી છ માંગણીનો લેખિતમાં સ્વીકાર કરો, પછી જ મંત્રણા થશે
આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે ડિમોલિશન ચાલી રહ્યું હતું ત્યારે નાયબ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ દ્વારા એવા બણગા ફૂંકવામાં આવ્યા હતા કે ડિમોલિશન પૂર્ણ થયા બાદ તુરંત જ રોડનું કામ શરૂ કરી દેવામાં આવશે અને દસ દિવસમાં જ પૂરું પણ કરી દેવાશે. આ વાતને ત્રણ મહિના વીતી જવા છતાં રસ્તો તો પહોળો ન થયો ઉલટાનું કામ પણ ૩૫% જ પૂર્ણ થવા પામ્યું છે.
નદીકાંઠે ભેગો થયેલો કાટમાળ છેક ૧૦ જૂને ઉપડ્યો
જંગલેશ્વરમાં હજુ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા પણ ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જો કે આ મામલો કોર્ટમાં પહોંચ્યા હોવાથી ચુકાદો આવ્યો નથી. મહાપાલિકા દ્વારા જ્યારે આ ડિમોલિશન કરાયું ત્યારે તેનો લાખો ટન કાટમાળ હટાવવાનું શરૂ કરાયું હતું. મુખ્ય રસ્તે નીકળેલો કાટમાળ હટાવી લેવાયો હતો જ્યારે નદીકાંઠે એકઠો થયેલો કાટમાળ હટાવવા માટે તંત્ર દ્વારા `થોભો અને રાહ જુઓ’ની નીતિ મતલબ કે કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવનાર ડિમોલિશન મુદ્દે કોર્ટનું વલણ કેવું રહે છે તેના પર નજર રાખવાનું નક્કી કરાયું હતું. જો કે હજુ સુધી કોર્ટ દ્વારા આ મુદ્દે કોઈ ચુકાદો અપાયો ન હોય આખરે તંત્ર દ્વારા ૧૦ જૂને નદીકાંઠે ભેગો થયેલો કાટમાળ ઉપાડવામાં આવ્યો હતો.
શાળા નં.૭૦ પાસે વોંકળો પાક્કો કરવા કોઈ `રાજી’ નથી: ત્રીજો પ્રયત્ન કરવો પડ્યો
મહાપાલિકા દ્વારા નવો રસ્તો બનાવવા ઉપરાંત શાળા નં.૭૦ નજીક આવેલો વોંકળો પાક્કો કરવાનું પણ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ૮૦.૩૪ લાખના ખર્ચે સ્લેબ કલ્વર્ટ બનાવવાના આ કામનું બે વખત ટેન્ડર પ્રસિદ્ધ કરાયા છતાં કોઈ `રાજી’ થયું ન્હોતું મતલબ કે કોઈએ રસ દાખવ્યો ન્હોતો. એક એજન્સી આવી પરંતુ તેના ડોક્યુમેન્ટસ અધૂરા હોવાથી નવેસરથી ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ત્રીજી વખત ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે ત્યારે તેમાં કોઈ રસ દાખવે છે કે કેમ તે જોવું રહેશે સાથે સાથે જો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાય છે તો પણ કદાચ કામ ચોમાસા બાદ જ શરૂ થઈ શકે છે.
