ગોંડલ નજીક ગોમટા ચોકડી પાસે આવેલા હરસિધ્ધિ કેટલ ફીડ નામના સરકારી ગોડાઉનમાંથી ૭,૪૯,૦૭૦ લાખની મગફળીનો જથ્થો ચોરાયાના બનાવમાં ગોમટાના ત્રણ શખસો સહિત ચારને ગોંડલ તાલુકા પોલીસે પકડી પાડી મગફળીની 287 બોરીઓ બે આઈસર મળી 16.99 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.
સરકાર દ્વારા ખરીદ કરાયેલા મગફળીનો જથ્થો ગોડાઉનમાં રખાયો હતો જે જથ્થો પૈકી 287 બોરી મગફળીની ચોરી થઈ હતી જે બાબત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સરકારી ગોડાઉનમાંથી થયેલી ચોરી સંદર્ભે તાલુકા પોલીસે તપાસ આરંભી હતી.
ગોડાઉન આસપાસની ઈન્ડસ્ટ્રીઝમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા તેમજ રસ્તા પરના સીસીટીવી ચેક કરાયા હતા તેમજ ગોડાઉન પાસેના કારખાનાઓમાં નાઈટમાં કામ કરતાં કામદારોની પૂછપરછ કરાતાં રાત્રીના સમયે બે આઈસર ગોડાઉન તરફ ગયા હતા અને આઈસરની આગળ ગોમટા ગામનો વિજય રાઠોડ બાઈક લઈને જતો હતો જે આધારે પોલીસે વિજયને ઉઠાવી લીધો હતો તેની પૂછતાછમાં મગફળી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. વિજય અને તેની સાથે અન્ય ત્રણ મળે ચોરીનું કાંડ કર્યાનું ખૂલ્યું હતું.
ગોંડલના ગોમટા ગામે રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતાં વિજય મનસુખભાઈ રાઠોડ (ઉ.વ.26) તેની સાથેના દીપક ઉર્ફે ધીરૂ વસંતભાઈ વાંસાણી (ઉ.વ.49) તથા મયુર ઉર્ફે સુખો પોપટભાઈ બગડા (ઉ.વ.19, રહે. ત્રણેય ગોમટા) તેમજ ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા ભીખાલાલ વ્રજલાલ અજમેરા (ઉ.વ.77)ને ઝડપી લીધા હતા. મગફળી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા આઈસર જી.જે.19-ટી.4895 તથા જી.જે.03-એ.ટી.4071 અને ચોરાયેલો 287 બોરી મગફળીનો જથ્થો કબજે લઈ ચારેયની ધરપકડ કરાઈ હતી.