શેરબજારે ફરી ગોથુ ખાધુ : સેન્સેક્સ 1190 અને નિફ્ટી 360 પોઈન્ટ તૂટ્યા
શેરબજાર હજુ સ્થિર નથી તેથી રોકાણકારો ઘણા અવઢવમાં છે. ગુરુવારે પ્રારંભમાં તેજી જોવા મળી હતી પરંતુ પછી અચાનક વેચવાલી શરુ થતા સેન્સેક્સ પટકાયો હતો.
શેરબજારમાં અચાનક આવેલા આ ઘટાડા પાછળનું કારણ યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગેની અનિશ્ચિતતા અને આઈટી શેરોમાં વેચવાલી હતું. કલોઝિંગ વખતે સેન્સેક્સ ૧૧૯૦ પોઈન્ટ તુટ્યો હતો અને નિફ્ટી ૩૬૦ તૂટીને પોઈન્ટ્સ 24 હજારના સ્તરથી નીચે આવી ગયા હતા.
BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.1.52 લાખ કરોડ ઘટીને રૂ. 442.96 લાખ કરોડે પહોંચ્યું હતું. IT શેરોમાં 4% જેટલો ઘટાડો થયો હતો કારણ કે યુએસ ફુગાવાના આંકડા દર્શાવે છે કે વ્યાજ દરમાં કાપની ગતિ અપેક્ષા કરતા ધીમી રહેશે.
બીજી બાજુ અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 9.3% જેટલો વધ્યા પછી જૂથે સ્પષ્ટ કર્યું કે ગયા અઠવાડિયે કરાયેલા આરોપમાં તેના મુખ્ય અધિકારીઓ પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી.
અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસ અનુક્રમે 9% અને 9.3% વધીને સૌથી વધુ ઉછળ્યા હતા. અદાણી ગ્રીન એનર્જીનો શેર પણ 8.3% વધીને રૂ.1,072ની દિવસની ટોચે પહોંચ્યો હતો.અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી વિલ્મર અને અદાણી પોર્ટ્સના શેરમાં 5% સુધીનો ઉછાળો નોંધાયો હતો.