લખનૌની આગમાં 14 યુવાનોના મોત: જીવ બચાવવા યુવકો છત પરથી કૂદ્યા
લખનૌના અલીગંજના પુરાનિયા વિસ્તારમાં સોમવારે ભીષણ આગે 14 યુવાન જીવ લઈ લીધા. ગ્રાઉન્ડ ફ્લોરની પાલતુ પ્રાણીની દુકાન અને ઉપરના માળના ગેમિંગ ઝોનમાં લાગેલી આગે થોડી જ મિનિટોમાં આખી ઇમારતને ધુમાડા અને જ્વાળાઓમાં લપેટી લીધી. બધા મૃતકોની ઉંમર 20થી 24 વર્ષની વચ્ચે છે. જીવ બચાવવા અનેક યુવક-યુવતીઓ છત અને બાલ્કનીમાંથી કૂદી પડ્યા. CM યોગી આદિત્યનાથે તાત્કાલિક રાહત અને તપાસના આદેશ આપ્યા છે.
ગેમિંગ ઝોન-પેટ શોપમાં આગ, 14 યુવાનોના મોત
લખનૌ અલીગંજના પુરાનિયા વિસ્તારની એક બહુમાળી ઇમારતમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પાલતુ પ્રાણીઓની દુકાન અને ઉપરના માળે કાર્યરત ગેમિંગ ઝોનમાં આગની શરૂઆત થઈ હતી. ગેમિંગ ઝોનમાં કર્મચારીઓ ગેમિંગ સોફ્ટવેર પર કામ કરી રહ્યા હતા. આગ ફેલાતા જ આખી ઇમારત ધુમાડાથી ભરાઈ ગઈ અને ગભરાટ ફેલાયો.
ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં 14 યુવાનોના મોત નીપજી ચૂક્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ તમામ મૃતકો 20થી 24 વર્ષની વયજૂથના છે. શરૂઆતમાં ઇમારતમાં કોચિંગ સેન્ટર કે લાઇબ્રેરી હોવાની વાત સામે આવી હતી, પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી કે ત્યાં માત્ર પેટ શોપ અને ગેમિંગ ઝોન જ કાર્યરત હતા.
આ પણ વાંચો: ભારત , અમેરિકા ટ્રેડ ડીલ માટે દિલ્હીમાં ફાઇનલ બેઠક
જીવ બચાવવા છત પરથી કૂદ્યા
આગ લાગતા જ ઉપરના માળે ફસાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ. કેટલાક લોકો બાથરૂમમાં ફસાયા હોવાના અહેવાલ પણ આવ્યા, પરંતુ બાદમાં રાહત ટીમે બધાને સુરક્ષિત બહાર કાઢ્યા. આગની ભયંકરતાને કારણે ઘણા યુવાનો બાલ્કની અને છતના માર્ગે બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. એક વ્યક્તિએ જીવ બચાવવા ઇમારત પરથી કૂદકો માર્યો, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સ્થાનિક રહેવાસીઓએ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં મદ કરી હતી.
CM યોગી અને ડેપ્યુટી CM બ્રજેશ પાઠક ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરવાના નિર્દેશ આપ્યા. તેમણે ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા અને વહીવટીતંત્રને સતર્ક રહેવા કહ્યું. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક પણ ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું.
અગ્નિશામકોએ સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. હાલ કુલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે જેથી આગ ફરી ન ભડકે. લખનૌ પોલીસ અને વહીવટીતંત્રે જણાવ્યું કે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને વિસ્તારમાં ફેલાયેલો ગભરાટ ઓછો થયો છે. આ દુર્ઘટનાએ કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અને ઈમરજન્સી એક્ઝિટના પ્રશ્નો ફરી ઉઠાવ્યા છે. પ્રશાસન દ્વારા હવે આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરાઈ છે.
