મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ: ચેમ્પિયન અને રનર અપ બંને ટીમ પર થશે પૈસાનો વરસાદ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કમાલનું પ્રદર્શન કરીને ICC વિમેન્સ વન-ડે વર્લ્ડકપના ફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે આ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહોંચતાં જ ભારતીય ટીમને એક મોટું ઈનામ પણ મળશે. જો ટીમ ચેમ્પિયન બનશે તો 40 કરોડ અને હારે તો 20 કરોડ મળશે.
આ વખતે મહિલા ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ આપવામાં આવશે જે 13.88 મિલિયન અમેરિકી ડોલર (123 કરોડ રૂપિયાથી વધુ) છે. વર્લ્ડકપ જીતનારી ટીમને 4.48 મિલિયન અમેરિકી ડોલર (અંદાજે 40 કરોડ રૂપિયા), મળશે જે 2022માં ઓસ્ટ્રેલિયા દ્વારા જીતવામાં આવેલી 1.32 મિલિયન અમેરિકી ડોલર (12 કરોડ રૂપિયા) કરતા ત્રણ ગણી વધુ છે. જ્યારે ફાઈનલમાં હારનારી ટીમને 2.24 મિલિયન અમેરિકી ડોલર (20 કરોડ રૂપિયા) મળશે. ત્રણ વર્ષ પહેલાં આ રકમ 5.2 કરોડ હતી.
સેમિફાઈનલમાં હારનારી ટીમને પણ 10 કરોડ રૂપિયા મળશે. ગ્રુપ સ્ટેજમાં ભાગ લેનારી તમામ ટીમને 2.2 કરોડ રૂપિયા મળશે. ગ્રુપ સ્ટેજમાં દરેક જીત ઉપર 30 લાખ રૂપિયા વધારાના મળશે. પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેનારી ટીમને 6.2 કરોડ રૂપિયા મળશે તો સાતમા અને આઠમા ક્રમની ટીમને 2.48 કરોડ રૂપિયા મળશે.
