અસલી સ્ટુડન્ટના બદલામાં એક્ઝામ આપતા હતા; બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ન મળતાં પોલ ખૂલી; અલગ-અલગ જગ્યાએ દરોડા પડ્યા હતા
રવિવારે દેશભરમાં સંપન્ન થયેલી નીટ યુજી રિ-એક્ઝામ દરમિયાન બિહારના લખીસરાયમાં સોલ્વર ગેંગ સક્રિય હોવાની આશંકા વચ્ચે જિલ્લા તંત્ર અને પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. પરીક્ષા દરમિયાન જુદા જુદા કેન્દ્રો પરથી 9 ‘મુન્નાભાઈ’ (ડમી વિદ્યાર્થી) સહિત કુલ 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શંકાસ્પદ યુવકો અન્ય અસલી વિદ્યાર્થીઓના સ્થાને પરીક્ષા આપી રહ્યા હતા.
પરીક્ષા કેન્દ્ર પર કડક દસ્તાવેજ ચકાસણી દરમિયાન જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના ફોટો અને ફિંગરપ્રિન્ટ મેચ ન થયા, ત્યારે તપાસ એજન્સીને તેમના પર શંકા ગઈ હતી. બાયોમેટ્રિક હાજરી લેતી એજન્સીની સતર્કતાના કારણે આ નકલી પરીક્ષાર્થીઓ પકડાઈ ગયા હતા. જો કે, આટલી કડક સુરક્ષા હોવા છતાં આ નકલી લોકો એક્ઝામ સેન્ટરની અંદર કેવી રીતે પહોંચી ગયા, તે પણ એક મોટો સવાલ છે. પકડાયેલા તમામ યુવકો અન્ય જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો: ભારત , અમેરિકા ટ્રેડ ડીલ માટે દિલ્હીમાં ફાઇનલ બેઠક
કેઆરકે હાઈસ્કૂલમાંથી એક, કેન્દ્રીય વિદ્યાલયમાંથી સાત અને હસનપુર કેન્દ્રમાંથી એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવાયા છે. એસડીએમ પ્રભાકર કુમાર અને એસડીપીઓ શિવમ કુમારના નેતૃત્વમાં આરોપીઓની પૂછપરછના આધારે પોલીસની સ્પેશિયલ ટીમ અન્ય ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. પોલીસ અધિકારી શિવમ કુમારે જણાવ્યું કે કુલ 30 ધરપકડ કરાયેલા લોકોમાંથી 9 ડમી વિદ્યાર્થીઓ છે, જ્યારે અન્ય 21 લોકો આ આખા કૌભાંડના નેટવર્કમાં સામેલ છે.
