રાજકોટ ઝૂમાં સિંહણએ ત્રણ શાવકને આપ્યો જન્મ
રાજકોટવાસીઓ માટે ખુશખબર! રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રાણીઉદ્યાનમાં ફરી એકવાર સિંહણ માતા બની છે. એશિયાઇ સિંહણ ‘ધારા’એ 11 જૂન 2026ની રાત્રે ત્રણ તંદુરસ્ત સિંહ બાળને જન્મ આપ્યો છે. આ સાથે રાજકોટ ઝૂમાં એશિયાઇ સિંહની સંખ્યા વધીને 17 પર પહોંચી ગઈ છે. CZAના માર્ગદર્શન હેઠળ આધુનિક બનેલા રાજકોટ ઝૂ માટે આ સફળ સંવર્ધન એક મોટી સિદ્ધિ ગણાય છે.
સિંહણ ધારાના ઘરે ત્રિપલ ધમાકો
રાજકોટ મનપાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેન ખીમાણિયા અને દંડક સંજયસિંહ રાણાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું કે સિંહ નર ‘ધનંજય’ અને સિંહણ ‘ધારા’ના સંવનનથી 105 દિવસની ગર્ભાવસ્થા બાદ તા. 11/06/2026ના રોજ રાત્રે ‘ધારા’એ 3 સિંહ બાળને જન્મ આપ્યો. હાલ માતા અને ત્રણેય બચ્ચા સંપૂર્ણ સ્વસ્થ છે. ઝૂના વેટરનરી ઓફિસર અને ટીમ દ્વારા CCTવી કેમેરાથી 24×7 મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: RMCની તવાઈ: વાસી ખોરાક પીરસતી 2 હોટલ સીલ: 84,400નો દંડ
ધારાનું બીજું વેતર, ઝૂમાં કુલ 55મો જન્મ
આ ‘ધારા’નું બીજી વખતનું પ્રસુતિ છે. અગાઉ 5/12/2025ના રોજ તેણે ‘ધનંજય’ સાથે સંવનનથી 2 સિંહ બાળને જન્મ આપ્યો હતો. બિલાડી કુળના મોટા પ્રાણીઓ સામાન્ય રીતે 2થી 3 બચ્ચા જન્મ આપે છે, ત્રણ બચ્ચાનો જન્મ ઓછો જોવા મળે છે. રાજકોટ ઝૂના કુદરતી જંગલ જેવા નૈસર્ગિક વાતાવરણને કારણે એશિયાઇ સિંહ અને સફેદ વાઘનું સંવર્ધન ખૂબ સફળ રહ્યું છે. નવા ત્રણ શાવક સાથે ઝૂમાં હવે એશિયાઇ સિંહની કુલ સંખ્યા 17 થઈ છે – જેમાં પુખ્ત નર 4, પુખ્ત માદા 8, પાઠડા નર 2 અને બચ્ચા 3 સામેલ છે. અત્યાર સુધીમાં રાજકોટ ઝૂમાં કુલ 55 સિંહ બાળનો જન્મ થઈ ચૂક્યો છે.
ઝૂ બન્યું સૌરાષ્ટ્રનું ટોપ ડેસ્ટિનેશન
CZAના માર્ગદર્શન મુજબ આધુનિક રીતે વિકાસ થતા રાજકોટ ઝૂ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે હવે બેસ્ટ સ્પોટ બની ગયું છે. દર વર્ષે અંદાજે 7 લાખ મુલાકાતીઓ અહીં આવે છે. વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂએ મૈસુર, હૈદરાબાદ, છતબીર, લખનઉ, ભીલાઇ, કાંકરીયા, સક્કરબાગ સહિત ભારતના અનેક ઝૂને સિંહ આપીને બદલામાં અન્ય દુર્લભ પ્રજાતિના પ્રાણી-પક્ષીઓ મેળવ્યા છે. હાલ ઝૂમાં 70 જુદી જુદી પ્રજાતિના કુલ 618 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત છે.
નવા શાવકના જન્મથી મુલાકાતીઓમાં ખાસ્સો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઝૂ તંત્રએ અપીલ કરી છે કે બચ્ચા અને માતાને ડિસ્ટર્બ ન કરે અને સીસીટીવી દ્વારા જ તેમની મસ્તી માણે.
