૨૫ વર્ષના ભારતીય યુવાનની ૬૦ બિલિયન ડોલરની છલાંગ!
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) માંથી માત્ર ૨૧ વર્ષની ઉંમરે ડ્રોપ-આઉટ થઈને ‘કર્સૉર’ (Cursor) નામની AI કોડિંગ કંપની બનાવનાર ભારતીય મૂળના અમન સેંગરે આખી સિલિકોન વેલીને ચોંકાવી દીધી છે. એલોન મસ્કની ‘સ્પેસએક્સ’ (SpaceX) એ આ સ્ટાર્ટઅપને ૬૦ અબજ ડોલર (આશરે ૫ લાખ કરોડ રૂપિયા) માં ખરીદવાની જાહેરાત કરી છે. પણ આ માત્ર એક યુવાનના રાતોરાત અબજોપતિ બનવાની ‘સક્સેસ સ્ટોરી’ નથી; આ એક ભયાનક ચેતવણી છે કે દુનિયામાં કોડિંગની આખી સિસ્ટમ બદલાઈ રહી છે, અને જો ભારતની IT કંપનીઓ નહીં જાગે તો ભવિષ્ય અઘરું છે.
અમન અને તેના ત્રણ મિત્રોએ (જેમાં પાકિસ્તાની મૂળના સુઆલેહ આસિફનો પણ સમાવેશ થાય છે) ૨૦૨૨ માં MIT માંથી અભ્યાસ છોડીને ‘એનીસ્ફિયર’ (Anysphere) નામની કંપની બનાવી, જેની પ્રોડક્ટ ‘કર્સૉર’ આજે સોફ્ટવેર ડેવલપમેન્ટની દુનિયામાં ભૂકંપ લાવી રહી છે. એક સામાન્ય માણસ તરીકે પ્રશ્ન થાય કે એલોન મસ્ક રોકેટ બનાવતી કંપની માટે આવડી મોટી રકમ આપીને એક કોડિંગ પ્લેટફોર્મ શા માટે ખરીદી રહ્યો છે?
કર્સૉર એવું તે શું કરે છે કે તેની કિંમત આટલી બધી આંકવામાં આવી? આ સમજવા માટે તમારે ટેક દુનિયાના નવા કન્સેપ્ટ—’વાઇબ કોડિંગ’—ને સમજવો પડશે. અત્યાર સુધી એન્જિનિયરોએ જાવા, પાયથોન કે C++ જેવી ભાષાઓના લાંબા અને જટિલ સિન્ટેક્સ ગોખવા પડતા હતા. એક ‘કોમા’ ભૂલી જાવ તો આખો પ્રોગ્રામ ક્રેશ થઈ જતો. પરંતુ કર્સૉર એક એવું AI-નેટિવ એડિટર છે, જ્યાં ડેવલપર માત્ર પોતાની સાદી ભાષામાં કમાન્ડ આપે છે. દાખલા તરીકે, તમે લખો: “મને એક એવી વેબસાઇટ બનાવી આપ, જેમાં પેમેન્ટ ગેટવે હોય અને યુઝર સરળતાથી લોગ-ઇન કરી શકે.” બસ! કર્સૉરનું AI આખી એપ્લિકેશનનો કોડ જાતે જ લખી નાખશે અને તેમાં રહેલી ભૂલો (Bugs) પણ જાતે જ શોધી લેશે. અમન સેંગરનો મુખ્ય ઉદ્દેશ્ય સોફ્ટવેર એન્જિનિયરિંગમાં રહેલા ‘બોટલનેક્સ’ (માનવીય અવરોધો) દૂર કરવાનો છે. આજે Nvidia, Uber અને Shopify જેવી ૫૦,૦૦૦ થી વધુ મોટી કંપનીઓના ડેવલપર્સ કર્સૉરનો જ ઉપયોગ કરે છે.
આ ડીલનું સૌથી મોટું અને ગ્રાઉન્ડ-લેવલનું વિશ્લેષણ ભારતના આઇટી સેક્ટર માટે સમજવું જરૂરી છે. દાયકાઓથી ભારત આખી દુનિયાની ‘બેક-ઓફિસ’ રહ્યું છે. આપણે ત્યાં કોડિંગ એ મજૂરી જેવું કામ બની ગયું છે. ગ્લોબલ કંપનીઓ સસ્તામાં કામ પતાવવા ભારતના એન્જિનિયરોને પ્રોજેક્ટ આઉટસોર્સ કરતી આવી છે.
કર્સૉરનું મોડેલ દર્શાવે છે કે ભવિષ્યમાં ‘કોડ લખનારા’ મજૂરોની જરૂર નહીં પડે, પણ એ કોડ પાછળનું ગણિત સમજાવનારા અને AI પાસે કામ કઢાવનારા બુદ્ધિશાળી આર્કિટેક્ટ્સની જરૂર પડશે. જો આપણે આપણી માસ-રિક્રુટમેન્ટ (સામૂહિક ભરતી) ની માનસિકતા નહીં બદલીએ, તો AI આપણા લાખો એન્જિનિયરોના ‘અમેરિકન ડ્રીમ’ ને ખતમ કરી નાખશે.
સ્પેસએક્સ (SpaceX) ની આ ૬૦ બિલિયન ડોલરની ડીલ પાછળ મસ્કની ભવિષ્યવાદી નજર છે. સ્પેસએક્સ હવે માત્ર રોકેટ લોન્ચિંગ પૂરતું સીમિત નથી. મંગળ ગ્રહ પર જવાની તૈયારી, સ્ટારલિંક (Starlink) નો ગ્લોબલ ઇન્ટરનેટ વ્યાપ અને સેટેલાઇટ ટેકનોલોજી માટે ભવિષ્યમાં ‘એરર-ફ્રી’ (ભૂલ વગરના) અદ્યતન કોડિંગની જરૂર છે.
આ ઐતિહાસિક ડીલ પછી દુનિયાભરના સોફ્ટવેર એન્જિનિયરો માટે ભવિષ્યનો રસ્તો એકદમ સ્પષ્ટ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર એક નવો ટ્રેન્ડ નથી, તે એક નવી ઔદ્યોગિક ક્રાંતિ છે.
