કોલેજના પ્રિન્સીપાલોના પેન્ડીંગ પ્રશ્નોનો ઉકેલ લાવવા શિક્ષણ મંત્રીને રજૂઆત
-જો એસોશિએટ પ્રોફેસર અને પ્રિન્સીપાલનું પગાર ધોરણ સરખું રાખવામાં આવશે તો કોઈ પ્રિન્સીપાલ બનવા ઇચ્છશે નહીં
-અસરકારક રજૂઆત માટે રૂબરૂ મળવાનો સમય પણ માગ્યો
ગુજરાત સ્ટેટ કોલેજ પ્રિન્સીપાલ’સ એસોસિએશને રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાને એક પત્ર લખીને રાજ્યની અનુદાનિત કોલેજોના પ્રિન્સીપાલોના લાંબા સમયથી પેન્ડીંગ રહેલા પ્રશ્નોની ઉકેલ લાવવા વિનંતી કરી છે.
એસોસિએશનના પ્રમુખ ડૉ. જયવંતસિંહ એ સરવૈયા અને મંત્રી ડૉ. સંજય એસ શાહે રજૂઆત કરી છે કે, રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને નિવૃત્તિ સમયે 300 રજાઓનું રોકડમાં રૂપાંતરનો લાભ મળે છે, જ્યારે માત્ર કોલેજના શૈક્ષણિક સ્ટાફને માત્ર 240 રજાઓનું રોકડમાં રૂપાંતર કરવા દેવામાં આવે છે. આ અંગેનો અગાઉનો વર્ષ 2000 નો ઠરાવ હોવા છતાં માત્ર “અર્ધ પગારી”ને બદલે “હક્ક રજાઓ” જેવા શબ્દ-ફેરને લીધે રાજ્યની કોલેજીસના શૈક્ષણિક કર્મચારીઓ આ લાભ થી વંચિત રહેલ છે, તો રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ કોલેજીસમાં શૈક્ષણિક કર્મચારીઓને નિવૃત્તિ સમયે 300 રજાઓનું રોકડમાં રૂપાંતર કરવા વિનંતી છે.
આ પણ વાંચો: `કાળા હિરણ’ ફિલ્મ વિવાદમાં નવો વળાંક
આ ઉપરાંત રાજ્યની અનુદાનિત કોલેજીસના આચાર્યોને નિવૃત્તિ વખતે પોતાની અગાઉની કોલેજની અધ્યાપક/આચાર્ય તરીકે ની જમા મેડિકલ રજાઓને રોકડ રૂપાંતર માટે ગણતરીમાં લેવામાં આવતી હતી. નાણા વિભાગનો સેવા જોડાણના 9/10/2019નો પરિપત્ર માત્ર સરકારી કર્મચારીઓ માટે જ હોવા છતાં સદર પરિપત્રને ગ્રાંટેબલ કોલેજીસના કર્મચારીઓ માટે લાગુ પાડીને આ પરિપત્ર બાદ આ રજાઓ જોડી આપવામાં આવતી નથી. જેના લીધે નિવૃત્ત થનાર આચાર્યોને ખૂબ મોટું આર્થિક નુકસાન જાય છે, જે કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુદ્ધ છે. કોલેજના આચાર્ય બનવા માટે 15 વર્ષનો અધ્યાપક તરીકેનો મિનિમમ અનુભવ ફરજિયાત બનાવેલ છે, ત્યારે તે સમયગાળાની જમા રજાઓ નવી નિમણુંકની રજાઓ સાથે જોડી આપવી જ રહી. આ રજાઓ ના જોડવાના લીધે કોઈ અધ્યાપક આચાર્ય બનવા તૈયાર થતાં નથી, અને રાજ્યની 200 જેટલી કોલેજીસ આચાર્ય વિહીન છે. તો હવે અગાઉની જેમ ઉ.શિ. કમી. કચેરી કક્ષાએથી જ આ રજાઓ જોડી આપવાની જોગવાઈ કરવા અનુરોધ છે.
આ પત્ર અનુસાર, રાજયમાં તા. 1/1/2016 અગાઉ નિમાયેલા તમામ આચાર્યો સાતમાં પગાર પંચની ભલામણ મુજબના ટેબલ-14 મુજબ પગાર મેળવી રહ્યા છે. પરંતુ તા. 1/1/2016 પછી નિમાયેલા આચાર્યોને ટેબલ 13-A મુજબ પગાર નિર્ધારણ કરવામાં આવેલ છે. આમ કરવાથી તેઓ પ્રોફેસર સમકક્ષમાંથી એસોશીએટ પ્રોફેસર સમકક્ષ બની જાય છે. એટલે કે તેઓની પદવી-ઉતાર (DEMOTION) થાય છે. તા.૧/૧/૨૦૧૬ પછી નિમાયેલા આચાર્ય નિમણૂંક પહેલા એસોશીએટ પ્રોફેસર હતા અને ટેબલ – ૧૩-એ મેળવવા માટે પાત્ર હતા. હવે આચાર્ય બન્યા પછી આટઆટલી વધુ ફરજોની જવાબદારી લીધા બાદ અને પ્રોફેસર સમકક્ષ ૧૦૦૦૦ ના ગ્રેડ પે મુજબ પગાર લીધા બાદ ફરી તેઓને એસોશીએટ પ્રોફેસરનો પગાર એટલે કે ૯૦૦૦ ના ગ્રેડ પે માં મૂકવામાં આવે તે કુદરતી ન્યાયના સિદ્ધાંતોની તદન વિપરીત છે. સરકારે બહાર પાડેલો કોઈપણ આદેશ પાછલી અસરથી લાગુ પાડી શકાય નહિ. માટે સત્વરે તેઓના ટેબલ 14 મુજબ પગાર નિર્ધારણ કરવા અંગે આદેશો જાહેર કરવા વિનંતી છે. જો એસોશિએટ પ્રોફેસર અને આચાર્યનું પગાર ધોરણ સરખું રાખવામાં આવશે તો કોઈ પણ વ્યક્તિ ક્યારેય આચાર્ય બનવા ઇચ્છશે નહીં, અને આમ કોલેજીસ આચાર્ય વિહીન થશે. પત્રના અંતમાં આ હોદેદારોએ શિક્ષણ મંત્રી પાસે રૂબરૂ મળવાનો સમય પણ માગ્યો છે.
