પેલેસ્ટાઇન સમર્થક વિદ્યાર્થીઓએ વોકઆઉટ કર્યું
સ્ટેનફોર્ડના દીક્ષાંત સમારંભમાં સુંદર પિચાઈ સામે વિદ્યાર્થીઓનો વિરોધ
ગૂગલના ઇઝરાયલ સાથેના કરારો સામે સૂત્રોચ્ચાર
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2026ના દીક્ષાંત સમારંભ દરમિયાન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને વિદ્યાર્થીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પિચાઈ ભાષણ આપવા મંચ પર પહોંચતા જ આશરે 200 વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઇનના ધ્વજ લહેરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વ્હિસલ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો. અનેક વિદ્યાર્થીઓ પરંપરાગત કેફિયાહ સ્કાર્ફ પહેરીને પણ પહોંચ્યા હતા.
સમારંભ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ પોતાની ગ્રેજ્યુએશન ગાઉન અને કેપ સાથે બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થીઓ પિચાઈ વિરુદ્ધ નારાબાજી કરતા અને વોકઆઉટ કરતા જોવા મળ્યા હતા. જોકે વિરોધ વચ્ચે પણ પિચાઈએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું હતું.
વિદ્યાર્થી સંગઠનો ‘સ્ટુડન્ટ્સ ફોર જસ્ટિસ ઇન પેલેસ્ટાઇન’ અને ‘નો ટેક ફોર અપાર્થાઈડ’ દ્વારા આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધીઓએ ગૂગલના ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સાથેના કરારોનો વિરોધ કર્યો હતો.
પિચાઈએ પોતાના સંબોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉલ્લેખ ટાળ્યો હતો. ટેક ક્ષેત્રમાં રોજગાર અંગેની અનિશ્ચિતતા અને AIના વધતા પ્રભાવને કારણે વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. તાજેતરમાં અનેક ટેક ઉદ્યોગના નેતાઓએ યુનિવર્સિટીના કાર્યક્રમોમાં AIના સમર્થનમાં વાત કરતાં વિદ્યાર્થીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
પ્રીજેક્ટ નિમ્બ્સ સામે વિરોધ
વિરોધનું કેન્દ્રબિંદુ ‘પ્રોજેક્ટ નિમ્બસ’ રહ્યું, જે ગૂગલ અને ઇઝરાયલ સરકાર વચ્ચેનો 1.2 અબજ ડોલરનો ક્લાઉડ કમ્પ્યુટિંગ કરાર છે. પેલેસ્ટાઇન સમર્થક કાર્યકરોનો આરોપ છે કે ગૂગલ પોતાની ટેક્નોલોજી સેવાઓ દ્વારા ઇઝરાયલને સહયોગ આપી રહ્યું છે.સમારંભમાંથી બહાર નીકળેલા વિદ્યાર્થીઓએ બાદમાં ‘પીપલ્સ કમેન્સમેન્ટ’ નામના વૈકલ્પિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં પેલેસ્ટાઇન સમર્થક કાર્યકર મહમૂદ ખલીલે મુખ્ય વક્તા તરીકે સંબોધન કર્યું હતું. નોંધનીય છે કે કોલંબિયા યુનિવર્સિટીમાં પેલેસ્ટાઇન સમર્થક આંદોલનમાં ભૂમિકા બદલ અમેરિકી સત્તાવાળાઓએ ખલીલને 100થી વધુ દિવસ સુધી અટકાયતમાં રાખ્યા હતા.
‘યુવાનો પર મને સંપૂર્ણ વિશ્વાસ’ : સુંદર પિચાઈ
સ્ટેનફોર્ડમાં ભાષણ પહેલાં ટેક પોડકાસ્ટ ‘હાર્ડ ફોર્ક’માં સુંદર પિચાઈને પૂછવામાં આવ્યું હતું કે જો વિદ્યાર્થીઓ વિરોધ કરે તો તેઓ તેને કેવી રીતે લેશે. તેના જવાબમાં પિચાઈએ કહ્યું હતું કે તેમને નવી પેઢી અને તેના ભવિષ્ય પર અસાધારણ વિશ્વાસ છે. AI અંગે ટીકા કરનારા વિદ્યાર્થીઓ પણ આગામી વર્ષોમાં આ ટેક્નોલોજીના વિકાસને દિશા આપશે. AIના કારણે પડકારો ઉભા થશે, પરંતુ આજના સ્નાતકો જ પ્રગતિને આગળ ધપાવશે અને તેના પ્રભાવનો સામનો પણ કરશે. તેથી યુવાનોની ક્ષમતા અને ભવિષ્ય અંગે તેઓ આશાવાદી હોવાનું પિચાઈએ જણાવ્યું હતું.
