213 તાલુકામાં વરસાદ: ઓરંગા નદીમાં ઘોડાપૂર, વલસાડના 365 રસ્તા બંધ – તંત્ર હાઈ એલર્ટ પર, લોકોને સાવચેતીની અપીલ
વલસાડ: મેઘરાજાએ 24 કલાકમાં જ દક્ષિણ ગુજરાતને જળબંબાકાર કરી દીધું. આકાશમાંથી એવું વરસ્યું કે નદીઓ કાંઠા તોડીને વહેવા લાગી, રસ્તા બંધ થયા અને શહેરો પાણીમાં ગરકાવ થયા. રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં ઉમરગામમાં એકલા 35.67 ઇંચ વરસાદ ખાબકતા રેકોર્ડ તૂટ્યા. વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે રાહત કામગીરીમાં જોડાયું છે, ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાત હાઈ એલર્ટ પર છે.
24 કલાકમાં 213 તાલુકા ભીના, ઉમરગામ-કપરાડામાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ નોંધાયો છે. 213 તાલુકામાં વરસાદ પડ્યો છે.
ટોપ વરસાદવાળા વિસ્તારો:
– ઉમરગામ: 35.67 ઇંચ
– કપરાડા: 28.78 ઇંચ
– નાનાપોંઢા: 25.31 ઇંચ
– ધરમપુર: 19.65 ઇંચ
– પારડી: 17.64 ઇંચ, વાંસદા: 17.13 ઇંચ, વાપી: 16.26 ઇંચ
– સુરત શહેર: 5.04 ઇંચ, નવસારી: 6.93 ઇંચ, બારડોલી: 6.89 ઇંચ
રાજ્યમાં 61 તાલુકામાં 1 ઇંચથી વધુ, 44માં 2 ઇંચથી વધુ અને 26 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે.
દક્ષિણ ગુજરાત જળમગ્ન: નદીઓમાં પૂર, રસ્તા બંધ
ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની સ્થિતિ સૌથી ગંભીર છે.
– ઓરંગા નદીમાં ઘોડાપૂર: ધરમપુરમાં 20 ઇંચથી વધુ વરસાદ બાદ ઓરંગા નદી કાંઠા તોડીને વહેતી થઈ. વલસાડ શહેરના કાશ્મીરાનગર અને બરૂડિયાવાળ વિસ્તારમાંથી લોકોને રામલા મંદિર ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા. અડધી રાત્રે સાયરન વગાડીને એલર્ટ આપવામાં આવ્યું.
– વલસાડમાં 365 રસ્તા બંધ: કપરાડા-65, ધરમપુર-65, પારડી-74, નાના પોઢા-59 સહિત કુલ 365 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ. અનેક કોઝવે પાણીમાં ગરકાવ.
– ડાંગ: અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં ઘોડાપૂર. વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા બંધ.
– તાપી: ડોલવણમાં ભારે વરસાદથી વ્યારા-ઉનાઈ નેશનલ હાઈવે પર 1 કિમી લાંબી વાહનોની કતારો. શાળા-કોલેજોમાં રજા જાહેર.
– વાપી: 17 ઇંચ વરસાદથી ગુંજન, છરવાડા, અંબા માતા મંદિર વિસ્તારોમાં પાણી ભરાયા. પાર્કિંગમાં ઉભેલા વાહનો ડૂબ્યા.
– વ્યારા: મિશન નાકા અને આયલ સર્કલ પાસે પાણી ભરાતા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો.
તંત્ર એક્શનમાં, લોકોને સાવચેતીની અપીલ
સમગ્ર દક્ષિણ ગુજરાતને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ-રાહત કામગીરી ચાલુ છે.
અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે:
– નદી-નાળા, કોઝવે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવું
– બિનજરૂરી મુસાફરી ટાળવી
– તંત્રની સૂચનાઓનું પાલન કરવું
આગામી કલાકોમાં પણ ભારે વરસાદની સંભાવના હોવાથી લોકોને સતર્ક રહેવા જણાવાયું છે.
