પ્રકૃતિ પ્રેમી હોવાનો પુરાવો આપી અનોખી મિસાલ કાયમ કરી
ઠેબાના વિઠ્ઠલભાઇએ ૨૫ હજાર વૃક્ષોનું વાવેતર કરીને વેરાન ડુંગરને હરિયાળુ જંગલ બનાવ્યું.
જામનગર જિલ્લાના ઠેબા ગામ નજીક આવેલું “બે ભાઇનું ડુંગર” માનવ સંકલ્પ અને પ્રકૃતિ પ્રેમનું જીવંત ઉદાહરણ
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે જામનગર જિલ્લાના ઠેબા ગામ નજીક આવેલું “બે ભાઈનું ડુંગર” માનવ સંકલ્પ અને પ્રકૃતિપ્રેમનું જીવંત ઉદાહરણ બની ઊભું છે. એક સમય એવો હતો જ્યારે આ વિસ્તાર સૂકો અને વેરાન ગણાતો હતો, પરંતુ આજે અહીં હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે ગાઢ જંગલ જેવો માહોલ સર્જાયો છે.
આ પરિવર્તન પાછળ ઠેબાના પ્રકૃતિપ્રેમી વિઠ્ઠલભાઈ મુંગરાની બે દાયકાની અવિરત મહેનત રહેલી છે. લગભગ ૨૦ વર્ષ પહેલાં ગંભીર અલ્સરની તકલીફનો સામનો કરી રહેલા વિઠ્ઠલભાઈએ જીવનમાં પ્રકૃતિને કેન્દ્રસ્થાને રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તેમણે બે ભાઈના ડુંગર વિસ્તારમાં એક પછી એક વિવિધ જાતિના વૃક્ષોનું વાવેતર શરૂ કર્યું. વર્ષો સુધી પાણી, જતન અને સંભાળ રાખતાં આજે અહીં અંદાજે ૨૫ હજારથી વધુ વૃક્ષો વિકસ્યાં છે. હાલ આ હરિયાળો વિસ્તાર અનેક પક્ષીઓ અને નાના જીવસૃષ્ટિ માટે આશ્રયસ્થાન બન્યો છે. વૃક્ષોની ઠંડી છાયામાં ફરવા અને કુદરતી વાતાવરણનો આનંદ માણવા માટે દરરોજ લોકો અહીં પહોંચે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન સમગ્ર વિસ્તાર લીલીછમ બની જતાં કુદરતપ્રેમીઓ માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. વિઠ્ઠલભાઈનું માનવું છે કે પ્રકૃતિ સાથે જોડાયેલા જીવન અને સતત શ્રમના કારણે તેમની તબિયતમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. તેઓ આજે પણ દિવસનો મોટો ભાગ આ વૃક્ષોની સંભાળ અને સફાઈ પાછળ ખર્ચે છે. તેમના માટે આ વૃક્ષો માત્ર છોડ નહીં, પરંતુ પરિવારના સભ્યો સમાન છે
આ પણ વાંચો: ‘અલ નીનો’ આપણા ખેડૂતો અને અર્થતંત્રને કેવી રીતે અસર કરે છે?
પક્ષીઓ માટે અનોખું આશ્રયસ્થાન
બે ભાઈના ડુંગરની તળેટીમાં પક્ષીઓ માટે વિશિષ્ટ ચબૂતરો તૈયાર કરવામાં આવ્યો છે. બોરવેલમાં ઉપયોગમાં લેવાતા ગેલ્વેનાઈઝ્ડ પાઈપની મદદથી બનેલા આ ચબૂતરાના નિર્માણ પાછળ અંદાજે ૨૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જણાવાય છે. અહીં ગોળાકાર ગોઠવણીમાં લગભગ ૨,૫૦૦ જેટલા માળા બનાવવામાં આવ્યા છે, જેના કારણે વિવિધ પ્રજાતિના પક્ષીઓને સુરક્ષિત રહેઠાણ મળી રહ્યું છે. આ ચબૂતરો સૌરાષ્ટ્રમાં પોતાની પ્રકારની અનોખી રચના તરીકે ઓળખાય છે.
