સરકાર સામે ઇન્ડિયા બ્લોક એકજૂટ થયો, રસ્તા અલગ-અલગ, પરંતુ નિશાન એક જ
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જંતર-મંતર પહોંચ્યા, વિવિધ પક્ષોએ જુદી જુદી રીતે વિરોધ નોંધાવ્યો
સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગના મુદ્દે મંગળવારે ઇન્ડિયા બ્લોકના પક્ષોએ સંસદની અંદર અને બહાર અસાધારણ એકતા દર્શાવી હતી. તમામ પક્ષો એક જ મંચ પર આવ્યા નહોતા, પરંતુ દરેકે પોતાના અંદાજમાં સરકાર સામે વિરોધ નોંધાવીને એક જ રાજકીય સંદેશ આપ્યો કે વિદ્યાર્થીઓના મુદ્દે સરકારને જવાબ આપવો જ પડશે.
મંગળવારે સવારે યોજાયેલી ઇન્ડિયા બ્લોકની બેઠકમાં વિદ્યાર્થીઓના આંદોલનને ખુલ્લો ટેકો આપવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. જોકે વિરોધની પદ્ધતિ અંગે સહમતી ન બનતાં દરેક પક્ષે પોતાની રીતે કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું. કોંગ્રેસના નેતાઓએ સંસદથી વડાપ્રધાનના નિવાસ તરફ કૂચ કરી, જ્યારે ડાબેરી પક્ષોના સાંસદોએ જંતર-મંતર પહોંચી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. બાદમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓએ રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર હેઠળના વિદ્યાર્થીઓની પણ મુલાકાત લીધી.
આ પણ વાંચો: દેશના ખૂણે ખૂણેથી જંતર-મંતર માટે ઓનલાઈન પહોંચવા લાગ્યાં હજારો ફૂડ પેકેટ્સ અને દવાઓ
એનસીપી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવાર જંતર-મંતર પહોંચ્યા, જ્યારે સુપ્રિયા સુલે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં જોડાયા. શિવસેના (યુબીટી)ના ઉદ્ધવ ઠાકરેએ પણ જંતર-મંતર જઈ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને ધર્મેન્દ્ર યાદવ પણ વિરોધ કૂચમાં જોડાયા હતા. બાદમાં રાહુલ ગાંધી સાથે અખિલેશ યાદવની પણ અટકાયત કરવામાં આવી હતી.
વિપક્ષોની કહેવું છે કે છેલ્લા ૧૨ વર્ષમાં ૧૫૨ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થયા છે અને સરકાર શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ખામીઓ સ્વીકારવા તૈયાર નથી. આ મુદ્દે સંસદની અંદર અને બહાર સંયુક્ત દબાણ વધારવાની વ્યૂહરચના સાથે ઇન્ડિયા બ્લોકના પક્ષોએ અલગ-અલગ કાર્યક્રમો કર્યા, પરંતુ સરકાર સામેનો તેમનું રાજકીય નિશાન એક જ રહ્યું હતું.
અખિલેશે સંસદના પગથિયે રાહુલની રાહ જોઈ…
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સ્પીકર ઓમ બિરલાને મળી બહાર આવ્યા ત્યારે સંસદના મકર દ્વારના પગથિયાં પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તેમની રાહ જોઈ રહ્યા હતા. રાહુલ ગાંધી પત્રકારોને સંબોધન પૂર્ણ કરે ત્યાં સુધી અખિલેશ થોડે અંતરે ઊભા રહ્યા. બંને નેતાઓએ સરકાર પર વિદ્યાર્થીઓના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આરોપ મૂક્યો અને બાદમાં અખિલેશ કોંગ્રેસના વિરોધ કાર્યક્રમમાં પણ સાથે જોડાયા. કોંગ્રેસ તરફથી અગાઉથી જાણ ન કરાયાની હળવી નારાજગી વ્યક્ત કર્યા છતાં અખિલેશે તેને “નાની અસુવિધા” ગણાવી તરત જ વિરોધ કૂચમાં ભાગ લીધો હતો અને અંતે રાહુલ ગાંધી સાથે તેમની પણ અટકાયત કરવામાં આવી હતી.
