એક જ શહેરના જિલ્લા-શહેર પ્રમુખ ગાંધીનગર ગયા, એકને 15 મિનિટમાં બોલાવી લેવાયા, બીજાએ 3 કલાક સુધી જોવી પડી ‘રાહ’! વાંચો કાનાફૂસી
થોડા સમય પહેલાં રાજ્યના ચાર મુખ્ય મહાનગર પૈકીના એક એવા શહેર અને જિલ્લા પ્રમુખ મારતી મોટરે ગાંધીનગર પહોંચ્યા હતા. આમ તો પ્રમુખ હોવાને નાતે મહત્ત્વનું કામ લઈને જ ગયા હશે તેમ માની શકાય અથવા તો પ્રદેશ તરફથી તેડું આવ્યું હોવાથી ગયા હોય તેવું માનવું પડે. જો કે એક જ શહેર-જિલ્લો હોવા છતાં બે પ્રમુખને ‘અંદર’ બોલાવવામાં જે પ્રકારે વિલંબ થયો તે મુદ્દો અત્યારે ચર્ચાની એરણે ચડી જવા પામ્યો છે. બન્ને પ્રમુખ ગાંધીનગર પહોંચ્યા બાદ જિલ્લાના એક પ્રમુખને ત્યાં પહોંચ્યાની 15 મિનિટમાં જ બોલાવી લેવામાં આવ્યા હતા અને તેઓ મિટિંગ કરીને બહાર પણ નીકળી ગયા હતા. જો કે શહેરના પ્રમુખને ગાંધીનગરમાં ઓછામાં ઓછી 3 કલાક સુધી વેઈટિંગમાં બેસવું પડયું હતું. શિસ્તબદ્ધ પક્ષના સૈનિક હોવાને કારણે આ પ્રમુખ હાઈકમાન્ડને મળ્યા વગર નીકળી પણ ન શકે તેમ હોવાથી તેમણે ત્યાં વેઈટિંગમાં રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. વળી, ગાંધીનગરમાં તેઓ જયાં ગયા હતાં તે બિલ્ડિંગમાં પક્ષના અન્ય હોદ્દેદારોની ઓફિસ પણ આવેલી હોય શહેરના આ પ્રમુખે તેમને મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ ત્યારે પણ તેમને ‘અત્યારે મિટિંગ ચાલી રહી છે’ તેવો જવાબ જ મળતાં તેમની મુલાકાત શક્ય બની નહોતી અથવા તો શક્ય બનવા દેવાઈ નહોતી જેના કારણે આ પ્રમુખે એક જ જગ્યા ઉપર બેસી રહેવું પડયું હોવાની ‘કાનાફૂસી’ અત્યારે ચાલી રહી છે.
‘જંગલ મેં મોર નાચા કિસને દેખા’ની માફક ડિમોલિશનનો ખર્ચ જે થાય તે જ માનવાનો ને !!
રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન વોર્ડ નં.16ના જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. અહીં 1500થી વધુ ગેરકાયદેસર મિલકતો ઉપર બૂલડોઝર ફેરવી અંદાજે 350 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી ત્યારે મહાપાલિકાના પાપે ઉભા થયેલા આ ‘જંગલ’ને તોડવાનો ખર્ચ પણ પ્રજાની કેડે આવવાનો છે ત્યારે ખર્ચ કેટલો થવાનો છે તેનો હિસાબ હજુ માંડવામાં આવ્યો ન હોવાનું પ્રશ્ન એ છે કે તંત્ર દ્વારા જે હિસાબ ચોપડે લેવામાં આવશે તે જ માનવાનો રહેશે ને ?
તંત્ર એમ કહે કે અમે 64 જેસીબી, 25 હિટાચી, ફલાણા ફલાણા ટ્રેક્ટર, ઢીકણા મશીનનો ઉપયોગ કર્યો તો પ્રજાએ એ માની જ લેવું પડશે કેમ કે ટ્રેક્ટર-ડમ્પરના ફેરા કેટલા થયા તે તો તંત્ર જાહેર કરે છે પરંતુ વાસ્તવિક રીતે તંત્ર દર્શાવે છે એટલા જ ફેરા થયા હશે કે વધુ-ઓછા તેની જાણકારી પણ હિસાબ કરનાર અધિકારીઓ પાસે જ હશે. વળી, જેટલી સંખ્યામાં મશીનનો ઉપયોગ કરાયો હોવાનું કાગળ ઉપર દર્શાવાયું છે ખરેખર એટલા જ મશીનનો ઉપયોગ કરાયો હશે કે કેમ તે પણ તંત્ર જ જાણતું હોય પ્રજા માટે તો ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા’ની માફક તંત્ર ખર્ચનો આંકડો જાહેર કરે એ માની લેવા સિવાય પાક્કા એક અધિકારીના મતે ડિમોલિશનનો ખર્ચ 2 કરોડથી વધુનો થવાનો છે ત્યારે ખરેખર ખર્ચ પ્રમાણે મશીનરી વપરાઈ હશે કે કેમ તેની લોકો સમજી-જાણી શકે તેવી જાણકારી જાહેર કરવામાં આવે તો પ્રજાને તંત્ર ઉપર વિશ્વાસ બેસશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
પાલિકાના એક અધિકારી ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે કામ કરી ચૂક્યા છે!
4 મહિના અગાઉ એક અધિકારી સરકારના અન્ય વિભાગમાંથી બદલી પામીને રાજકોટ મહાપાલિકામાં મુકાયા હતા. આ અધિકારીને પોતાનું પદ સંભાળ્યાને હજુ મહિના જેટલો સમય પસાર થયો છે ત્યાં જ તેમને લઈને તરેહ તરેહની ‘કાનાફૂસી’ મહાપાલિકાની કચેરીમાં શરૂ થઈ જવા પામી છે. આ અધિકારી રાજકોટ આવ્યા તે પહેલાં હાલના પ્રદેશ પ્રમુખ અને તેઓ જ્યારે અન્ય વિભાગમાં કાર્યરત હતા ત્યારે એ વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્માના પીએ તરીકે કામ કરી ચૂક્યા હોય તેઓ જગદીશ વિશ્વકર્માના ‘વિશ્વાસુ’ હોવાનો ગણગણાટ પણ સાંભળવા મળી રહ્યો છે.
ખેર, સરકારી અધિકારી માટે બદલી ‘રાબેતા મુજબ’નો ક્રમ હોય આજે અહીં તો કાલે ત્યાં ફરજ બજાવવાની જ હોય છે આમ છતાં ‘સાહેબ’ને અત્યારે અગાઉની 6 જગ્યાએ બજાવેલી ફરજને કારણે વધુ યાદ કરવામાં આવી રહ્યા છે. વળી, અમુક વર્ગ તો એવું પણ માની રહ્યો છે કે રાજકોટ મહાપાલિકાની તમામ પ્રકારની જાણકારી મતલબ કે શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું તે સહિતની બાબતે ‘અપડેટ’ રહેવા માટે તો આ અધિકારીને રાજકોટમાં મુકવામાં આવ્યા નહીં હોય ને ?
પૂર્વ મહામંત્રીના બેસણા પણ હવે પાલિકામાંથી ટળશે !!
રાજકોટ મહાપાલિકાએ ઘણા માટે સેવાનું માધ્યમ તો અનેક માટે મેવાનું પણ માધ્યમ હતું અને આમને આમ રહેશે પણ ખરુ. રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં તાજેતરમાં નવા મહામંત્રીઓ આવતા 2 મહામંત્રીઓ હવે પૂર્વ થયા છે. જો કે આ બન્ને મહામંત્રીઓ અગાઉ કોર્પોરેટરથી સમિતિના ચેરમેન સુધીના પદ પણ ભોગવી ચૂક્યા હોવાથી બન્ને પાસે કોર્પોરેશનમાં ક્યાં શું કામગીરી થાય છે તેનું જ્ઞાન કે પુરી જાણકારી હોય જ. બન્નેમાં વિરેન્દ્રસિંહ ઝાલા તો સંગઠનમાં મહામંત્રી બન્યા બાદ કે એ પૂર્વે પણ કોર્પોરેટરની ટર્મ પુરી થયા બાદ ક્યારેય મહાપાલિકામાં આવ્યા નથી. કદાચ જવલ્લે જ જો આવ્યા હોય તો કારણ કે મહામંત્રીની જવાબદારી પાર્ટીના સંગઠનની હોય, મહાપાલિકામાં ન હોય પરંતુ બીજા મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા તો તેમની મહામંત્રીની ટર્મ દરમિયાન કદાચ ભાજપ કાર્યાલયે ઓછા અને મહાપાલિકામાં જાજા રહ્યા.
એક સમિતિના ચેરમેનની ચેમ્બરમાં જ તેમના બેસણા રહેતા સાથે વ્યવસાય કે આવી રીતે સંકળાયેલાઓ પણ તેમની સાથે આવતા-જતા રહેતા. સમિતિ ચેરમેનની ચેમ્બરમાં કાયમીપણેના અશ્વિનભાઈ હવે તેમની મહામંત્રીની ટર્મ પુરી થઈ એટલે જો હોદ્દાની રૂએ જતા હોય તો કદાચ ચેમ્બરમાંથી બેસણા છૂટશે અથવા જો ચેરમેન સાથે અંગત વ્યવહારુ નીકટતા કે સંબંધો હોય તો હજુ થોડો સમય ચેમ્બરનો લાભ પૂર્વ મહામંત્રીને પણ મળશે. જે રીતે મહામંત્રી હતા તે જવાબદારી સંગઠનની કે ભાજપ કાર્યાલયની હોય પરંતુ તેમની રોજિંદી અવરજવર કે બેસણા મહાપાલિકામાં રહેતા હતા જેથી એવી કાનાફૂસી થતી રહેતી કે કોર્પોરેટર રહ્યા નથી છતાં કોર્પોરેશનનો મોહ છૂટ્યો નહીં કે કોર્પોરેશનમાં કંઈ સમાયેલું અથવા ખીલ્લો સૂંઘ્યા વિના ચાલતું ન હતું. સ્વભાવે સરળ દેખાતા અશ્વિનભાઈ વ્યવસાયે બિલ્ડર હોવાથી કદાચ તેમના ધંધાકીય કામોને કારણે પણ આવવું પડતું હોય તેવું પણ બનતું હશે !
હાશ ! હવે હોળી ટાણે કોઈ ‘હોળી’ ન થાય તો સારું !
રાજકોટના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઈશ્વર પાસે એક જ પ્રાર્થના કરતા સાંભળવા મળી રહ્યા છે કે હવે હોળી ટાણે કોઈ પ્રકારની ‘હોળી’ ન થાય તો બહુ સારું. આવું કહેવા પાછળનું કારણ પણ વ્યાજબી લાગી રહ્યું છે કેમ કે છેલ્લા 2 સપ્તાહથી જંગલેશ્વરમાં ડિમોલિશન થનાર હોવાથી મહત્તમ સ્ટાફે ત્યાં તૈનાત થવું પડયું હતું અને રાત-દિવસ ફરજ બજાવવી પડી હતી. વળી, રવિવારે 1 દિવસનો આરામ મળશે તેવું માનીને હાશકારો અનુભવે તે પહેલાં જ ઈન્ચાર્જ પોલીસવડા રાજકોટમાં ક્રાઈમ કોન્ફરન્સ માટે આવી રહ્યા હોય શનિવારથી જ સ્ટાફ તૈયારીમાં લાગી ગયો હતો. હવે આજે સોમવારે હોળી અને બુધવારે ધૂળેટીનો તહેવાર હોય પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરવા મળે તેવી મહેચ્છા પોલીસ સ્ટાફ રાખી રહ્યો છે.
