ખાડીમાં આડેધડ થયેલા દબાણને કારણે વરસાદી પાણીનો નિકાલ અને નદીનો પ્રવાહ દરિયામાં જતા અટકી ગયો: વધુ બે મૃતદેહ મળતા મૃત્યુઆંક ૪૩ થયો
સુરતમાં બારે મેઘ ખાંગા થતાં સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. બે દિવસ બાદ પૂરમાં પાણી ઓસરવા લાગતા હવે તણાઈ ગયેલા લોકોના મૃતદેહ મળવા લાગ્યા છે જેમાં શુક્રવારે ૧૩ મૃતદેહ મળ્યા બાદ બીજા દિવસે શનિવારે વધુ બે મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક ૪૩ પર પહોંચ્યો છે. બીજી બાજુ તંત્ર દ્વારા સુરત ક્યાં કારણોસર ડૂબ્યું તે અંગે શરૂ કરેલી તપાસમાં તંત્રના પાપે અને ભ્રષ્ટાચાર નીતિના કારણે ખાડી પર થેલા દબાણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે ત્યારે રહી રહીને કરોડો રૂપિયાનું નુકસાન થયા બાદ તંત્રએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે.
સુરત ખુબસુરત છે તેવી કહેવત તંત્રના પાપે ધોવાઈ ગઈ છે. સુરતમાં આંધળો વિકાસ અને તંત્રના ભ્રષ્ટાચારના કારણે સુરત શહેર બે દાયકા પછી જળમગ્ન થયું હોવાનું સામે આવ્યું છે.
ચાર દિવસ પહેલાં સુરતમાં બારેમેઘ ખાંગા થતાં ૧૨ કલાકમાં ૧૯ ઇંચ વરસાદ પડતા સમગ્ર શહેર જળમગ્ન બની ગયું હતું જેના કારણે કરોડોની મિલકતને ભારે નુકસાન થયું હતું.
બીજીબાજુ સુરતના ૧૮૩ વિસ્તાર ડૂબ્યા કેવી રીતે તે જાણવા તંત્રએ શરૂ કરેલી તપાસમાં તંત્રનું પાપ અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. તાપી નદી અને શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ જુદી જુદી દરિયા ખાડીમાં કરવામાં આવે છે પરંતુ દરિયા ખાડી પાસે જ ખડકી દેવાયેલા અસંખ્ય દબાણના કારણે વરસાદી પાણીનો નિકાલ તો અટકી ગયો હતો પરંતુ તાપી નદીનો પ્રવાહ પણ શહેરમાં ફરી વળ્યો હતો જેના કારણે સુરતવાસીઓએ ૨૦૦૬ બાદ વિનાશકારી પૂરનો સામનો કર્યો હતો.
દરિયા ખાડીમાં આડેધડ થયેલા દબાણના કારણે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેમ તંત્ર દ્વારા હવે દબાણ હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે જેમાં દરિયા ખાડી પર મકાન, ઝૂંપડા ખડકી દેનાર લોકોને સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી છે.
સુરતવાસીઓના લાખેણા વાહનો પૂરના કારણે ડબ્બા બની ગયા
સુરતમાં ચાર દિવસ પહેલાં મેઘતાંડવ બાદ સર્જાયેલા વિનાશના દૃશ્યો સામે આવી રહ્યા છે ત્યારે પૂરના પાણી ઓસર્યા બાદ સુરતવાસીઓના વાહનોમાં કાદવ-કિચડ ભરાઈ જવાના કારણે લાખોની કિંમતના વાહનો ડબ્બા બની ગયા હતા. સુરતવાસીઓ પોતાની મોંઘીદાટ કાર હિતના વાહનો રિપેર કરવા માટે ગેરેજમાં મોકલી રહ્યા છે ત્યારે ગેરેજમાં વાહનનો ખડકલો થઈ ગયો છે.
