41 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ, કાલથી રાહત
અમદાવાદ, અમરેલી, વડોદરા, ડાંગ, ભુજ અને ગાંધીનગરમાં પારો 40ને પાર
રાજકોટ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઉંચે ચડયા બાદ આવતીકાલથી ગરમીમાં રાહત મળવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે, સોમવારે રાજ્યમાં રાજકોટ 41 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. સાથે જ અમદાવાદ, અમરેલી, વડોદરા, ડાંગ, ભુજ અને ગાંધીનગરમાં પારો 40ને પાર થતા લોકો આકરાતાપથી અકળાઈ ઊઠયા હતા.
હવામાન વિભાગ દ્વારા તા.25 માર્ચ સુધી મહત્તમ તાપમાનમાં વધારાની આગાહી કરી હતી જે મુજબ સોમવારે રાજકોટ સહિત રાજ્યના સાત શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો. બીજી તરફ રાજકોટમાં સોમવારે 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી અધિકતમ રહ્યું હતું. સાથે જ ભુજમાં 40.6, અમરેલી અને ડાંગમાં 40.4, વડોદરામાં 40.2, ગાંધીનગર અને અમદાવાદમાં 40 ડિગ્રી, ડીસામાં 39,3, ભાવનગરમાં 38.8, પોરબંદરમાં 38.6, નલિયામાં 37.6, સુરતમાં 37, જામનગરમાં 36.8 અને કંડલામાં 35.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.જો કે, આવતીકાલથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.