world cancer day 2026: કેન્સર એટલે અંત નહીં, પરંતુ લડવાની શરૂઆત, સમયસર સ્ક્રીનિંગ અપનાવવાથી બચી શકે છે જિંદગી, જાણો શું છે સ્ક્રીનિંગ
આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે “કેન્સર એટલે કેન્સલ નહીં” એવો મજબૂત સંદેશ આપતા રાજકોટની જાણીતી નાથાલાલ પારેખ કેન્સર સોસાયટીમાં છેલ્લા 8 વર્ષથી ઓન્કોસર્જન તરીકે સેવારત ડો. શ્રેયસ ઢોલરીયા “વોઇસ ઓફ ડે”મીડિયાનાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ડો. શ્રેયસ ઢોલરીયાએ કેન્સર અંગેની અનેક ગેરસમજો દૂર કરતા જણાવ્યું હતું કે સમયસર નિદાન અને યોગ્ય સારવારથી કેન્સરને હરાવી શકાય છે. તેમણે કેન્સરના પ્રારંભિક લક્ષણો, આધુનિક સારવાર પદ્ધતિઓ, તેમજ દર્દી અને તેના પરિવાર પર આવતી માનસિક, આર્થિક અને ભાવનાત્મક અસર વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ડો. ઢોલરીયાએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે કેન્સર માત્ર એક બીમારી નથી, પરંતુ આખા પરિવાર માટે પડકારરૂપ સ્થિતિ બની જાય છે, જેમાં સંવેદના, હિંમત અને સહકાર સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે સમાજને અપીલ કરી હતી કે કેન્સર દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખી, તેમને એકલા ન છોડવામાં આવે.
કાર્યક્રમ દરમિયાન અવેરનેસ મિશન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે નિયમિત ચેકઅપ, સ્વસ્થ જીવનશૈલી અને માહિતી જાગૃતિ કેન્સર સામેની સૌથી મોટી શક્તિ છે. “કેન્સર એટલે અંત નહીં, પરંતુ લડવાની શરૂઆત” એવો પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2025થી 2027 માટે “United by Unique” થીમ આપવામાં આવી છે, જે કેન્સરની સારવારમાં એક મહત્વનો સંદેશ આપે છે.દરેક દર્દી અનન્ય છે અને દરેક કેન્સર અલગ છે. વાસ્તવમાં કેન્સર માત્ર એક જ પ્રકારનો રોગ નથી. દરેક દર્દીમાં કેન્સરના તબક્કા, લક્ષણો અને તેની તાસીર અલગ હોય છે. એ જ કારણે આજે સારવાર પણ વ્યક્તિગત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અદ્યતન મેડિકલ ટેકનોલોજી અને નવીન ઉપચાર પદ્ધતિઓ છતાં, આજેય સમાજમાં “કેન્સર” શબ્દ સાંભળતાં જ લોકો ડરી જાય છે અને આ ડર ઘણીવાર હકીકત કરતાં વધુ ઘાતક સાબિત થાય છે.
દેશમાં થતા કુલ કેન્સરના આશરે 70 ટકા કેસ મોઢા અને ગળાના કેન્સર સાથે સંકળાયેલા છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તમાકુના વ્યસનનું પ્રમાણ વધુ હોવાના કારણે આ પ્રકારના કેન્સર વધુ જોવા મળે છે. ચિંતાજનક બાબત એ છે કે શહેરોની તુલનામાં ગામડાઓમાં, ખાસ કરીને મહિલાઓમાં, તમાકુ અને અન્ય વ્યસનોના કારણે કેન્સરના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે.
આ મુદ્દે પોતાના અનુભવો વ્યક્ત કરતાં ડો. શ્રેયસ ઢોલરીયા જણાવે છે કે, “ઓપીડીમાં રોજ એવા દૃશ્યો સામે આવે છે કે રૂંવાડા ઊભા થઈ જાય. ક્યાંક દીકરો પિતાને લઈને આવે છે, ક્યાંક પત્ની પતિને, દીકરી પોતાની માતાને કે વહુ પોતાની સાસુને… આ સંબંધોની લાગણી અને દર્દની એવી કહાની હોય છે કે તેના પર આખી એક ફિલ્મ બની શકે.”
ડો. ઢોલરીયા વધુમાં કહે છે કે કેન્સરને હરાવવા માટે માત્ર દવાઓ જ નહીં, પરંતુ દર્દીમાં હિંમત અને આત્મવિશ્વાસ સૌથી મોટું શસ્ત્ર છે. “કેન્સર સરળ રોગ નથી, પરંતુ દર્દીઓ સારવારથી પીછેહઠ કરે છે તેનું મુખ્ય કારણ તેમનો કાલ્પનિક ભય છે. જો સમયસર નિદાન અને યોગ્ય માર્ગદર્શન મળે તો આજે કેન્સર સામે જીત શક્ય છે.” આથી, “United by Unique” થીમ માત્ર નારો નથી, પરંતુ સંદેશ છે કે દરેક દર્દી અલગ છે, દરેક લડાઈ અલગ છે, અને દરેક જીતની પોતાની એક કહાની છે.
સ્ક્રીનિંગ એટલે શું?
એવી બીમારીનું નિદાન કરવું કે જેમાં હજી સુધી કોઈ લક્ષણો દેખાયા ન હોય, તેને સ્ક્રીનિંગ કહેવામાં આવે છે. સ્ક્રીનિંગ દરમિયાન જો કેન્સરનું નિદાન થાય, તો રોગની પકડ બહુ પ્રારંભિક તબક્કામાં થઈ જાય છે. પરિણામે મર્યાદિત સમયમાં યોગ્ય સારવાર શક્ય બને છે તેમજ દર્દીની પીડા પણ ઓછી રહે છે. ખાસ કરીને મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનિંગ કાર્યક્રમો અત્યંત જરૂરી અને અસરકારક સાબિત થાય છે.
આ પણ વાંચો :ગમે ત્યાં બોર્ડ-બેનર લગાવતાં પહેલાં વિચારજો, મિલકત સીલ થવા સુધીની ‘નોબત’ આવશે! RMC દ્વારા 10 લોકોને નોટિસ ફટકારવામાં આવી
બાળકોમાં બ્લડ અને બ્રેઇન કેન્સરનું પ્રમાણ વધુ
અનેક વખત બાળકો પણ કેન્સરથી પીડાતા જોવા મળે છે. સંશોધનમાં સામે આવ્યું છે કે કેટલાક કેન્સર જિનેટિક પણ હોઈ શકે છે. બાળકોમાં ખાસ કરીને બ્લડ કેન્સર, બ્રેઇન ટ્યુમર તથા પેટ સંબંધિત કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે.
અંધશ્રદ્ધા અને દોરાઘાગામાં મહત્વપૂર્ણ સમય વેડફી નાંખે છે.
આ પ્રસંગે ડોક્ટરે અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કેન્સરના ભયના કારણે કેટલાક લોકો અંધશ્રદ્ધાની દિશામાં વળી જાય છે. નિદાન થયા બાદ કારણ વિના દેશી દવાઓ, દોરા-ધાગા અને ટોટકાઓમાં મહત્વનો સમય વેડફી નાખે છે. અંતે જ્યારે સાચી સારવાર માટે આવે છે, ત્યારે ઘણો કિંમતી સમય હાથમાંથી સરકી ગયો હોય છે.ડોક્ટરે સ્પષ્ટ સંદેશ આપતાં જણાવ્યું કે, કેન્સરની સારવાર ભયાનક નથી, પરંતુ સમયસર નિદાન અત્યંત જરૂરી છે. અંદાજે 45 ટકા જેટલા કેન્સર તેના કારણો ટાળી શકાય તેવા છે. જો વ્યસનમુક્ત સમાજનું નિર્માણ થાય, તો કેન્સરથી ઘણું દૂર રહી શકાય. વિશ્વ કેન્સર દિવસના અવસરે ડો. શ્રેયસ ઢોલરિયાએ આ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.
