કેરળ દુર્ઘટનાનો મૃત્યુઆંક ક્યાં પહોંચ્યો ? વાંચો
કેરળના વાયનાડમાં મંગળવારે સવારે 2 થી 4 વાગ્યાની આસપાસ કેટલીક જગ્યાએ ભારે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનના કાટમાળ નીચે દબાઈ જવાથી લગભગ 158 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
સેનાની દેખરેખ હેઠળ રેસ્ક્યુ ઓપરેશનને ઝડપી કરી દેવામાં આવ્યું છે. રેસ્ક્યુ ટીમ સતત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. સ્નિફર ડોગ્સને પણ સામેલ કરવામાં આવ્યા છે. કાટમાળમાંથી સતત મૃતદેહો મળી રહ્યા છે. બુધવારે પણ સેનાએ કામગીરી ઝડપી બનાવી હતી.
હવામાન વિભાગ અનુસાર, ખતરો હજુ ટળ્યો નથી. પહાડી જિલ્લા વાયનાડ અને કેરળના તમામ ઉત્તરી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન બાદ હેલીકોપ્ટર દ્વારા હેવી મશીનો અને સ્નિફર ડોગ્સની ટીમોને લોકોને મદદ કરવા અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવા માટે મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડ ફોર્સે પણ તેની આપત્તિ રાહત ટીમોને ઘટના સ્થળે મોકલી છે.
હેલિકોપ્ટર દ્વારા તપાસ
બચાવ ટીમે જણાવ્યું કે વાયનાડના પ્રભાવિત વિસ્તારની હેલિકોપ્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે કોઈ પણ બાકાત ન રહે. તેમજ બચાવ કાર્યને યોગ્ય દિશામાં લઈ જવા માટે નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.
કેરળ સરકારને 23 જુલાઈએ જ એલર્ટ કરાઇ હતી :અમિત શાહ
દરમિયાનમાં બુધવારે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરીને એવી ચોખવટ કરી હતી કે કેરળ સરકારને 23 જુલાઇના રોજ આપત્તિ અંગે એલર્ટ કરી દેવાઈ હતી પણ તેને ગંભીરતાથી લેવાઈ નથી. 24 અને 25 જુલાઇના રોજ પણ સરકારને ચેતવી હતી. અતિ ભારે વરસાદ અને ભુપ્રપાત અંગે સરકારને સાબદી કરાઇ હતી પણ સરકાર જાગી નથી. શાહે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રતિ સંવેદના પ્રગટ કરી હતી. કેરળ સરકાર લોકોને સલામત સ્થળે ખસેડી શકતી હતી પણ એવું થયું નથી.