નેચરલ ગેસ અંગે શું સહમતી સધાઈ છે ? કોને થશે ફાયદો ? વાંચો
નેચરલ ગેસને જીએસટીના દાયરામાં લાવવાની વાત હવે ફાઇનલ થઈ ગઈ છે તેવા અહેવાલો બુધવારે બહાર આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે. ફીડ સ્ટોક હોવાને લીધે આ કામ શક્ય છે. મોટા કુદરતી ગેસ ઉત્પાદકો એવા બે રાજ્યોની સહમતીને કારણે નેચરલ ગેસને જીએસટીમાં લાવવાનું સરળ છે. તે પૈકી ગુજરાતે આ પ્રસ્તાવ માટે સંમતિ દર્શાવી દીધી છે.
અહેવાલો મુજબ આ માટે પેટ્રોલિયમ અને નાણા મંત્રાલય વચ્ચે સમજૂતી થઈ છે. નેચરલ ગેસ પર 18% જીએસટી લાદવાની ચર્ચા છે. આ બારામાં છેલ્લા ઘણા સમયથી વાત ચાલી રહી હતી. આ પગલાંથી આમ આદમી ઉપરાંત કંપનીઓને પણ ફાયદો થશે.
આ પ્રસ્તાવ ચર્ચા માટે ફિટમેન્ટ પેનલને મોકલવામાં આવ્યો છે. મોટા ગેસ ઉત્પાદક રાજ્ય ગુજરાતે તેની સંમતિ આપી દીધી છે. રાજ્યો કુદરતી ગેસ પર 14%-24.5% વેટ વસૂલ કરે છે.
તમામ રાજ્યો વેટમાંથી આશરે રૂ. 20000 કરોડની કમાણી કરે છે. જો કે બે મોટા રાજ્યો દ્વારા સહમતી અપાઈ ગઈ છે ત્યારે હવે આ કામને ઝડપ આપવામાં આવશે. બંને મંત્રાલયોની ટીમ દ્વારા બેઠકો થઈ રહી છે.
દરમિયાનમાં નિષ્ણાતો કહે છે કે વેટના કારણે કંપનીઓની આઇટીસી અટકી જાય છે. નેચરલ ગેસ ઘણા ઉત્પાદનો માટે ફીડસ્ટોક છે. જેમાં ખાતર, સીએનજી, એલપીજી જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
હવે GST કાઉન્સિલની બેઠક ઓગસ્ટના અંતમાં થઈ શકે છે. આ બેઠકમાં જ કુદરતી ગેસને જીએસટી હેઠળ લાવવા અંગેનો નિર્ણય સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે તેમ માનવામાં આવે છે.