નવું ટીવીએસ જ્યુપિટર 110 ગુરુવારે લોન્ચ થશે
ટીવીએસ મોટર્સ પોતાના લોકપ્રિય સ્કૂટર જ્યુપિટર 110 નવા અવતાર સાથે ભારતમાં 22 ઓગસ્ટના રોજ લોન્ચ કરશે. ટુ-વ્હીલર સેક્ટરમાં આ લોન્ચિંગ ટીવીએસ કંપની માટે ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે જ્યુપિટર પોતાની કંપનીના બેસ્ટ સેલિંગ સ્કૂટરમાં ટોપ પોઝિશન પર છે.
ઓલ ન્યૂ ટીવીએસ જ્યુપિટર 110 ડિઝાઇન અંગેના અહેવાલો અનુસાર, નવા મોડલની ડિઝાઇન જૂના મોડલથી સંપૂર્ણપણે અલગ અને એગ્રેસિવ રહેવાની સંભાવના છે.તેમા એક એંગુલર રીતે માઉન્ટ કરવામાં આવેલું ડીઆરએલ મળશે જે સ્કૂટરની ફ્રન્ટ પેનલ પર ચાલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટર્ન ઇન્ડિકેટર આ ડીઆરએલની કિનારી પર હશે અને તે નવા જ્યુપિટરની વિઝ્યુઅલ પહોળાઇને વધારશે. સાઇડ અને ટેલ સેક્શન પણ નવા હશે.
આશા છે કે એલઇડી લાઇટ્સ, બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ડિજિટલ ડિસ્પ્લે અને કદાચ નેવિગેશન પણ જોવા મળશે. ટોપ વેરિઅન્ટમાં ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક્સ હશે. ઉપરાંત અન્ય ફીચર્સ જે ઉમેરી શકાય છે તેમાં મોબાઇલ ફોન ચાર્જર, એક્સટર્નલ ફ્યુઅલ ફિલર કેપ અને મોટા બૂટ સ્પેસનો સમાવેશ થાય છે જેમાં બે હેલ્મેટ રાખી શકાય છે.
નવું ટીવીએસ જ્યુપિટર 110 ને કંપની નવી ડિઝાઇન અને ફીચર્સ ઉપરાંત નવા કલર કોમ્બિનેશન સાથે રજૂ કરી શકે છે. નવા ટીવીએસ જ્યુપિટરની આરંભિક કિંમત 80 હજાર રૂપિયા હોવાની આશા છે. નવા ટીવીએસ જ્યુપિટરની ટક્કર સીધી હોન્ડા એક્ટિવા સાથે છે.