હવે લગ્નોત્સવ : 02 મહિનાના સમયગાળામાં, 35 લાખ લગ્ન યોજાશે, 4.25 લાખ કરોડનો થશે ખર્ચ
આયાત ડ્યૂટી ઘટી જતાં સોનાની ખરીદીને વેગ મળશે
કપડાં, જ્વેલરી સહિતની વસ્તુઓ પાછળ થશે ગંજાવર ખર્ચ
લગ્નની સિઝનમાં લાખ્ખો લોકોને મળે છે રોજગારી
ગણેશોત્સવ પૂરો થયા બાદ હવે ભારતમાં લગ્નોત્સવ શરુ થવામાં છે અને તેની તૈયારી અને ખરીદી શરુ થઇ ગઈ છે. આગામી બે માસમાં લગ્નના ઘણા મુહુર્ત છે અને એક અંદાજ પ્રમાણે આગામી બે મહિનામાં લગ્નની સિઝનમાં દેશમાં લગભગ ૩૫ લાખ લગ્ન થશે જેમાં કૂલ ૪.૨૫ લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. કપડાં, જ્વેલરી, મેરેજ હોલથી લઈને જમણવાર સુધીમાં ભારતમાં મોટી રકમ ખર્ચ કરવામાં આવે છે. લગ્નની સીઝનમાં લાખ્ખો લોકોને રોજગારી પણ મળી રહે છે.
ભારતમાં વેડિગ ઈન્ડસ્ટ્રીને ક્યારેય મંદી નડતી નથી અને દર વર્ષે તેની સાઈઝ વધતી જ જાય છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ભારતની વેડિગ ઈન્ડસ્ટ્રીની સાઈઝ ૧૩૦ અબજ ડોલરની છે અને જ્યારે મોટા પાયે લગ્નો થતા હોય અને લોકો ખર્ચ કરતા હોય ત્યારે શેરબજારમાં પણ તેજી જોવા મળે છે.
ક્નફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટે્રડર્સ (સીએઆઈટી)ના રિપોર્ટ અનુસાર ભારત એ દુનિયામાં બીજા નંબરની સૌથી મોટી વેડિગ ઈન્ડસ્ટ્રી ધરાવે છે. નવેમ્બરથી લઈને ડિસેમ્બરના મધ્ય સુધી હવે લગ્નો જોવા મળશે. ગયા વર્ષે આ સમયગાળામાં દેશમાં લગભગ ૩૫ લાખ મેરેજ થયા હતા જ્યારે આ વર્ષે ૩૫ લાખ મેરેજ થવાની શક્યતા છે અને તેના કારણે લગ્નો પાછળનો ખર્ચ પણ વધારે આવશે. સીએઆઈટીના સરવે મુજબ ૧૫ જાન્યુઆરીથી ૧૫ જુલાઈ વચ્ચે ભારતમાં ૪૨ લાખ મેરેજ થયા હતા જેમાં ૫.૫૦ લાખ કરોડનો અંદાજિત ખર્ચ કરવામાં આવ્યો હતો.
માર્કેટના નિષ્ણાતો કહે છે કે, તાજેતરમાં ગોલ્ડની ઈમ્પોર્ટ પરની ડ્યૂટી ૧૫ ટકાતી ઘટાડીને ૬ ટકા કરવામાં આવી તેના કારણે આખા દેશમાં સોનાની ખરીદીને વેગ મળે તેવી શક્યતા છે. આગામી તહેવારો લગ્નની સિઝનમાં લોકો મોટા પ્રમાણમાં સોનું ખરીદશે. ભારતીયો સોનાને કોઈ પણ ભાવે અને કોઈ પણ સંજોગોમાં ખરીદવામાં વિશ્વાસ ધરાવે છે તેથી સોનાની ડિમાન્ડ ક્યારેય ઘટતી નથી. તહેવારની અસરના કારણે ખરીદી વધે ત્યારે ભારતમાં શેરબજાર પણ ઊંચકાતું હોય છે. ક્નઝ્યુમર સ્પેન્ડિગમાં વધારો થવાના કારણે કેટલાક સેક્ટરમાં સારી ખરીદી જોવા મળે છે. જેમાં રિટેલ,હોસ્પિટાલિટી, જ્વેલરી અને ઓટોમોબાઈલ આગળ છે.
અલગ અલગ રિપોર્ટના આધારે એવું તારણ કાઢવામાં આવે છે કે ભારતમાં દર વર્ષે લગભગ એક કરોડ લગ્ન થાય છે જેમાં લોકો ૧૩૦ અબજ ડોલરનો અંદાજિત ખર્ચ કરે છે. ભારતની અંદર તમામ સેક્ટર સાથે સરખામણી કરવામાં આવે તો વેડિગ સેક્ટર ચોથા નંબર પર આવે છે. ભારતે દેશમાં ટુરિઝમને પ્રોત્સાહન મળે તે માટે આંતરરાષ્ટ્રીય લગ્ન કાર્યક્રમો યોજવા હાકલ કરી છે જેના કારણે દેશની ઈકોનોમીને લગભગ એક લાખ કરોડની મદદ મળશે તેવું ધારવામાં આવે છે.