જેનો ડર હતો એ જ થયું…રાજકોટના સર્વેશ્વર ચોકનું કામ ચાર દિવસ સુધી બંધ,ચોમાસું બેઠું નથી ત્યાં જ આવી હાલત
રાજકોટના સર્વેશ્વર ચોકનો વોંકળો ડાયવર્ટ કરવાના કામને 21 દિવસ પૂર્ણ થયા છે ત્યાં જ કામ ડખે ચડવા લાગ્યું છે. જ્યારથી આ કામ શરૂ કરવામાં આવ્યું ત્યારથી લોકોને એક વાતનો ડર સતાવી રહ્યો હતો કે વરસાદ પડશે પડશે ત્યારે શું હાલત થશે ? ભલે સત્તાવાર રીતે ચોમાસું બેઠું ન હોય પરંતુ માવઠાંનો માર શરૂ થઈ જતાં તેની સીધી અસર સર્વેશ્વર ચોકમાં ચાલી રહેલા કામ ઉપર પડી છે અને લોકોનો ડર સાચો પડયો હોય તેવી રીતે કામ ચાર દિવસ સુધી બંધ રાખવાની નોબત આવી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં ત્રણ દિવસથી ધીમી ધારે ઝાપટાં પડી રહ્યા છે જેના કારણે વોંકળો ડાયવર્ટ કરવા માટે ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાઈ જતાં યુદ્ધના ધોરણે તેને ઉલેચવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ વરસાદને કારણે કામ કેવું ચાલી રહ્યું છે. તે જાણવા માટે સ્થળ વિઝિટ કરતાં ત્રણથી ચાર દિવસ સુધી કામ બંધ રાખવું પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો કેમ કે ખાડામાં ભરાયેલું પાણી ઉલેચ્યા બાદ ત્યાં સપાટી કોરી થયા બાદ આગળનું કામ શરૂ થઈ શકશે તેવું સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યું હતું.
એકંદરે હવે ચાર દિવસ સુધી કામ બંધ કરી દેવામાં આવતાં લોકોએ વધુ હાલાકી ભોગવવી જ પડશે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા 11 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જે સાચી પડે તો ચાર કરતાં વધુ દિવસ સુધી કામ બંધ રહી શકે છે. હજુ તો ચોમાસું શરૂ નથી થયું ત્યાં જ આવી હાલત થઈ ગઈ છે અને ચોમાસું શરૂ થયા બાદ એક સાથે પાંચ-દસ ઈંચ વરસાદ પડી જશે ત્યારે સ્થિતિ કેવી નિર્માણ પામશે તેની કલ્પના જ કરવી ઘટે ! તંત્ર દ્વારા 15 એપ્રિલથી આ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે ચાર મહિનાની અંદર વોંકળાને ડાયવર્ટ કરવાનું કામ શરૂ થઈ જશે પરંતુ અત્યારે સ્થિતિ જોતાં કામ પૂરું થતાં વધુ સમય લાગી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
સાંઢિયા પુલની કામગીરી પણ ધીમી પડી ગઇ…: સર્વેશ્વર ચોકમાં વોંકળો ડાયવર્ટ
કરવાનું કામ ચાર દિવસ સુધી બંધ રહેવાની સાથે જ સાંઢિયા પુલને ફોર-લેન બનાવવાની કામગીરી પણ વરસાદને કારણે ધીમી પડી ગયાનું જાણવા મળ્યું છે. આમ તો અહીં 45% કામ પૂર્ણ થયાનો દાવો થોડા સમય પહેલાં કરવામાં આવ્યો હતો પરંતુ બે દિવસથી વરસાદને કારણે અહીં પણ ધારણા પ્રમાણેનું કામ ન થઈ રહ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.