સંસદનું બજેટ સત્ર ક્યારથી ? વાંચો
- વિપક્ષ કયો મુદ્દો ઉઠાવશે ?
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકારના બીજા કાર્યકાળનું સંસદનું અંતિમં બજેટ સત્ર બુધવારે એટલે આજથી શરૂ થઈ રહ્યું છે. લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે આ સત્ર ટુંકા સમય માટે રાખવામાં આવ્યું છે. બજેટ સત્ર 9 મી તારીખ સુધી ચાલશે અને 1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સિતારમન વચગાળાનું બજેટ રજૂ કરશે. જો કે સંસદમાં સંગ્રામના અણસાર છે. વિપક્ષ દ્વારા ઇડીનો મુદ્દો ઉઠાવવામાં આવશે તેમ બહાર આવ્યું હતું.
સત્ર પહેલા મંગળવારે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં સુચારુરૂપે સંસદ ચલાવવા અંગે ચર્ચા થઈ હતી. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે લોકસભાની ચુંટણી માથે છે માટે વચગાળાનું બજેટ રજૂ થશે અને ત્યારબાદ નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. બેઠકમાં એજન્ડા અંગે ચર્ચા થઈ હતી.
વિરોધ પક્ષ દ્વારા પણ સંસદમાં અલગ અલગ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવવામાં આવી હતી. ખાસ કરીને ઇડીનો મુદ્દો ઉઠાવવાનું નક્કી થયું છે. મંગળવારે પ્રહલાદ જોશીએ સંસદના બંને ગૃહોના ફ્લોર લીડરો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. સંસદના પુસ્તકાલયમાં આ બેઠક મળી હતી.
આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે. 9 મી ફેબ્રુઆરી સુધી સત્ર ચાલશે. 1 લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી વચગાળાનું બજેટ રજૂ કરશે અને તેનાથી સમાજના બધા જ વર્ગોને આશા છે. જો કે વચગાળાનું બજેટ હોવાથી બહુ મોટી જાહેરતો થશે નહીં તે નિશ્ચિત છે.