રાજકોટ : પાર્કિંગની જગ્યામાં ખડકી દેવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલી બનાવ્યા બાદ ગેરકાયદે બાંધકામોને અધિકૃત કરી દેવાની કાર્યવાહીમાં સરકારે હવે ફી માળખુ નક્કી કર્યું છે. જે અન્વયે કોર્પોરેશન-મહાનગરોમાં રહેણાંક ક્ષેત્રમાં 200 મીટર સુધીના ગેરકાયદે પાર્કિંગને નિયમિત કરવા પ્રતિ ચોરસ મીટર રૂા.5000ની ફી રહેશે જ્યારે કોમર્શીયલ ક્ષેત્રમાં આ ફી ડબલ પ્રતિ ચોરસ મીટર રૂા.10000 રહેશે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા પાર્કિંગમાં બનાવવામાં આવેલા બાંધકામોને નિયમિત કરવા માટે ઇમ્પેક્ટ ફી વસૂલવા નક્કી કરેલા દર મુજબ 200 થી 500 ચો.મી.ના વિસ્તાર માટે રહેણાંક ક્ષેત્રમાં ઇમ્પેક્ટ ફી રૂા.6000 તથા કોમર્શીયલમાં રૂા.15000 નક્કી કરવામાં આવી છે. 500 સ્કવેર મીટરથી વધુના ગેરકાયદે પાર્કિંગ બાંધકામમાં રહેણાંક ક્ષેત્રની ફી રૂા.7500 તથા કોમર્શીયલમાં રૂા.20,000 નક્કી કરવામાં આવી છે. વધુમાં ફીના દર કોર્પોરેશન વિસ્તારો માટેના છે. જ્યારે શહેરી સત્તા મંડળોમાં પાયાના દરના 75 ટકા, નગરપાલિકા વિસ્તારોમાં 60 ટકા તથા અન્ય વિસ્તારોમાં 50 ટકા નક્કી કરવામાં આવ્યા છે.
બિલ્ડર લોબીના મતે પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો અધિકૃત થવાથી અનેક કોમર્શીયલ બિલ્ડીંગોમાં પાર્કિંગની જગ્યાઓમાં દુકાનો-શો રૂમ બાંધી લેવાયા છે તે નિયમિત કરાવી શકાશે.રાજ્યના મહાનગરોમાં પાર્કિંગની જગ્યા જ નથી. આ સિવાય અનેક ઇમારતોમાં મૂળ પ્લાનમાં પાર્કિંગની જગ્યા દર્શાવાયા બાદ તેને કોમર્શીયલ ઉપયોગ થવા લાગતા આવા અનેક કિસ્સામાં ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ડીસેમ્બર-2022માં ગેરકાયદે બાંધકામનું નિયમિત કરવાનો કાયદો પસાર કર્યો હતો. બીજી તરફ રાજ્યના 8 મહાનગરોમાં 42 ટકા તથા 156 નગરપાલિકા શહેરોના 87 ટકા ઇમારતો પાસે કમ્પલીશન સર્ટીફીકેટ ન હોવાનું સર્વેમાં બહાર આવતા સરકારે કમ્પ્લીશન સર્ટીફીકેટ વિનાના બિલ્ડીંગોના ડીમોલીશન થવાના સંજોગોમાં આર્થિક નુકસાન થવા ઉપરાંત લોકો રસ્તા પર આવી જાય તેમ હોવાથી ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી દેવાનો માર્ગ અખત્યાર કર્યો છે.