ભાજપ છે ત્યાં સુધી ભારતમાંથી કોઈ આરક્ષણ હટાવી નહીં શકે: અમિત શાહ
- આરક્ષણ અંગે નિવેદન આપી રાહુલ ગાંધી ફસાયા
- રાહુલના નિવેદનો રાષ્ટ્રીય સલામતી માટે ખતરારરૂપ: ગૃહમંત્રી
રાહુલ ગાંધીની અમેરિકાની મુલાકાત વિવાદોમાં અટવાઈ છે. વોશિંગ્ટન ડીસી માં જ્યોર્જટાઉન યુનિવર્સિટી ખાતે સંવાદ દરમિયાન આરક્ષણનીતિ અંગે તેમણે વ્યક્ત કરેલા વિચારોને કારણે તેમની ઉપર હુમલો કરવાનું ભાજપને નવું શસ્ત્ર મળી ગયું છે.એ અંગે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આરક્ષણ અંગે કોંગ્રેસનો સાચો ચહેરો સામે આવી ગયો છે પણ ભાજપ છે ત્યાં સુધી દેશમાંથી કોઈ આરક્ષણનીતિ હટાવી નહીં શકે.
રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે આરક્ષણ નીતિ દૂર કરવામાં આવશે કે નહીં? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે આપણે આરક્ષણને રદ કરવાનું ત્યારે જ વિચારવું જોઈએ જ્યારે ભારત ન્યાયી અને બધા માટે સમાન તકોનું સ્થળ બને. અને ભારત અત્યારે ન્યાયી સ્થળ નથી. તેમના આ નિવેદન બાદ તેમને આરક્ષણના વિરોધી ગણાવી ભાજપ તૂટી પડ્યો છે. ખુદ ગૃહ મંત્રી અમિત શાહે રાહુલને આડે હાથે લેતા કહ્યું કે રાહુલ ગાંધીના મનમાં હતી એ વાત હોઠ ઉપર આવી ગઈ છે. કોંગ્રેસ પહેલેથી જ આરક્ષણ વિરોધી છે તેવો તેમણે આક્ષેપ કર્યો હતો.
ગૃહ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ધર્મ, પ્રાંત અને ભાષાના નામે ભાગલા પડાવવાનો પ્રયત્ન કરે છે. વિદેશની મુલાકાત દરમિયાન ભાગલાવાદી તત્વો સાથે ઉભા રહી ભારત વિરોધી નિવેદનો આપવાની રાહુલને આદત પડી ગઈ છે તેવી તેમણે ટિપ્પણી કરી હતી. અમેરિકાની મુલાકાત દરમિયાન રાહુલે કરેલા રાષ્ટ્ર વિરોધી નિવેદનો રાષ્ટ્રીય સલામતી માટે ખતરા રૂપ હોવાનું તેમણે જણાવ્યું હતું.
ચીને ભારતની જમીન પચાવી લીધી, મોદી નિષ્ફળ: રાહુલનો આક્ષેપ
રાહુલ ગાંધીએ નેશનલ પ્રેસ ક્લબમાં અમેરિકી સાંસદો સાથે પણ મુલાકાત કરી હતી. એ દરમિયાન તેમણે ભારતના રાજકારણ, અર્થતંત્ર, જાતિગત જનગણના, આરક્ષણ નીતિ વગેરે મુદ્દાઓ ઉપર પોતાના અભિપ્રાય આપ્યા હતા. રાહુલે એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે ચીને લદાખમાં દિલ્હીના આકારની ભારતની જમીન પર કબજો જમાવી દીધો છે. મીડિયા આ મુદ્દે મૌન છે. તેમણે એવો પ્રશ્ન કર્યો કે આ રીતે જો કોઈએ અમેરિકાની જમીન પચાવી પાડી હોય તો અમેરિકાના રાષ્ટ્રપતિ એવું કહીને બચી શકે કે તેમણે મામલો યોગ્ય રીતે સંભાળ્યો છે? ચીનના મામલે મોદી નિષ્ફળ ગયા હોવાનો રાહુલે આક્ષેપ કર્યો હતો. યુનિફોર્મ સિવિલ કોડ અંગે તેમણે કોઈ પ્રતિભાવ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેની જોગવાઈઓ જાહેર થાય તે પછી જ એ અંગે પ્રતિભાવ આપી શકાય.
કોંગ્રેસે વડાપ્રધાન મોદીએ વિદેશમાં કરેલા નિવેદનોના વિડીયો જારી કર્યા
રાહુલ ગાંધીને દેશ વિરોધી અને આરક્ષણ વિરોધી ગણાવવાના ભાજપના પ્રયાસોની કોંગ્રેસે આકરી ટીકા કરી હતી. કોંગ્રેસના પ્રવક્તાઓએ વડાપ્રધાન મોદીએ ભૂતકાળમાં વિદેશની ધરતી પર કરેલા પ્રવચનોની વિડીયો જારી કરી હતી. રાહુલ ગાંધીને અમેરિકામાં મળેલા ભવ્ય આવકારને કારણે ગભરાઈ ગયેલી ભાજપ રાહુલ ગાંધીના નિવેદનોના વિકૃત અર્થઘટન કરી લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે સવાલ કર્યો કે ભાજપના કહેવા મુજબ રાહુલે અમેરિકા જઈને દેશદ્રોહી કરી હોય તો પછી તેમની ધરપકડ કેમ નથી કરતા?