અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ITP જેવું ગંભીર રક્ત વિકાર ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક
ખાનગી હૉસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ અને ઊંચા રક્તસ્રાવના જોખમ વચ્ચે બહુવિભાગીય નિષ્ણાત ટીમ દ્વારા સફળ સારવાર
અદ્યતન સારવાર, અનુભવી તબીબો અને સુનિયોજિત ટીમવર્કથી સરકારી આરોગ્ય સેવામાં વધુ એક સિદ્ધિ
ગુજરાત સરકારની જનકેન્દ્રિત અને સર્વસુલભ આરોગ્ય સેવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા અમદાવાદની સિવિલ હૉસ્પિટલએ વધુ એક અત્યંત જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સરકારી આરોગ્ય સેવાની ગુણવત્તા, તબીબી નિષ્ણાતતા અને અદ્યતન સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે ITP (Idiopathic Thrombocytopenic Purpura) જેવી ગંભીર રક્તસંબંધિત બીમારીથી પીડાતા દર્દીનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરીને ફરી એક વાર સાબિત કર્યું છે કે સરકારી હૉસ્પિટલોમાં પણ વિશ્વસ્તરીય અને જટિલ સારવાર સફળતાપૂર્વક ઉપલબ્ધ બની રહી છે.
આ પણ વાંચો: ધુરંધરનું ફેમસ પાત્ર – જેલમાં સબડતા ઉઝેર બલોચના ભાઈની હત્યાનો પ્રયાસ!
‘ITP જેવી ગંભીર બીમારી વચ્ચે સર્જરીનો પડકાર
સિવિલ હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર ડૉ. પીયૂષ મિત્તલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રહેવાસી મતી સંગીતા ત્રિવેદી લાંબા સમયથી Idiopathic Thrombocytopenic Purpura (ITP) નામની ગંભીર રક્ત સંબંધી બીમારીથી પીડાતા હતા. એવામાં કોઈ પણ સર્જરી કરવાથી ભારે રક્તસ્રાવમાં શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ખૂબ ઓછી થઈ જતાં દર્દીમાં રક્તસ્રાવ થવાનો ગંભીર જોખમ રહે છે. નોંધનીય છે કે પ્લેટલેટ્સ લોહીનો ગઠ્ઠો બનાવી રક્તસ્રાવ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ITP પીડિત દર્દીઓમાં પ્લેટલેટ્સ ઘટી જતા કોઈ પણ પ્રકારની સર્જરી અત્યંત જોખમી ગણાય છે.
સ્ટેરોઇડે હિપનો સાંધો કર્યો નષ્ટ, THP જ વિકલ્પ હતું
સંગીતા ત્રિવેદી ITPની લાંબા ગાળાથી સારવાર લઈ રહ્યા હતાં અને તે દરમિયાન સ્ટેરોઇડ્સના ઉપયોગને કારણે Avascular Necrosis (AVN) વિકસ્યું હતું. પરિણામે તેમનો હિપનો સાંધો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો અને સંગીતા ત્રિવેદીને ફરી ચાલતા કરવા માટે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ (THP) સિવાય સારવારનો અન્ય કોઈ વિકલ્પ નહોતો.
સંગીતા માટે સિવિલ હૉસ્પિટલ બની આશાનું કેન્દ્ર
સંગીતા ત્રિવેદીએ અગાઉ વિવિધ ખાનગી હૉસ્પિટલોમાં સારવાર માટે સંપર્ક કર્યો હતો કે જ્યાં સર્જરી માટે રૂ. 3 થી 5 લાખ જેટલો ખર્ચ જણાવવામાં આવ્યો હતો. ઉપરાંત ITPના કારણે સર્જરી દરમિયાન જીવલેણ રક્તસ્રાવનું ઊંચું જોખમ હોવાનું જણાવી સારવાર અંગે સંકોચ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બધેથી નિરાશ થયા બાદ દર્દી અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે પહોંચ્યા કે જ્યાં ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર ડૉ. પીયૂષ મિત્તલના માર્ગદર્શન હેઠળ દર્દીનું વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું અને હેમેટોલોજી, એનેસ્થેશિયા અને બ્લડ બેંક સહિતના વિવિધ વિભાગોના સંકલનથી બહુવિભાગીય સારવાર આયોજન તૈયાર કરીને સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
બહુવિભાગીય ટીમવર્કથી સફળ બની જટિલ સર્જરી
સર્જરી દરમિયાન એનેસ્થેશિયા વિભાગના પ્રોફેસર ડૉ. શાકુંતલા તથા તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. દર્દીને ઑપરેશન દરમિયાન 5 યુનિટ પ્લેટલેટ્સ, 1 યુનિટ ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા (FFP) અને 1 યુનિટ પૅક્ડ સેલ વૉલ્યુમ (PCV) આપવામાં આવ્યા હતા. પરિણામે સંભવિત રક્તસ્રાવને સફળતાપૂર્વક નિયંત્રિત કરીને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી.
સંગીતાના જીવનમાં ફરી ઉમેરાયું ‘સંગીત’
સર્જરી બાદ દર્દીની તબિયત સંપૂર્ણપણે સ્થિર છે. હિપના અસહ્ય દુખાવામાંથી રાહત મળતાં તેઓ હવે સ્વતંત્ર રીતે ચાલી શકે છે અને પોતાના દૈનિક કાર્યો સરળતાથી કરી રહ્યા છે. ગંભીર બીમારી અને અસહ્ય પીડા વચ્ચે જીવતા દર્દીના જીવનમાં આ સર્જરીએ નવી આશા અને નવી ગતિ આપી છે.
