રાજકોટના સ્કૂલ સંચાલકને બ્લેકમેઈલ કરી 25 લાખની ખંડણી માંગીઃ 3ની ધરપકડ, જાણો ક્રાઈમ બ્રાન્ચે કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન ?
બ્લેકમેઈલિંગ કરી પૈસા પડાવવાનો પ્રયાસ અથવા પડાવી લીધાના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે અને નોંધાઈ રહ્યા છે પરંતુ જ્યારે કથિત પત્રકાર આ `ખેલ’માં સામેલ થાય ત્યારે તેની ચર્ચા સમગ્ર રાજ્યમાં થવી સ્વાભાવિક છે. આવી જ એક ઘટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી એક સ્કૂલના સંચાલક સાથે બનવા પામી છે જ્યાં કથિત પત્રકાર અને તેની ટોળકીએ બ્લેકમેઈલિંગ કરીને 25 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાતાં જ ક્રાઈમ બ્રાન્ચે `ઓપરેશન’ પાર પાડીને ત્રણ શખસોને દબોચી આગવી ઢબે કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ અંગે સ્કૂલના સંચાલક યશપાલસિંહ ચુડાસમાએ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 19 મેએ તેમના મોબાઈલ ઉપર એક સાંધ્ય દૈનિકનો ફોટો આવ્યો હતો જેમાં `રાજકોટની રામાપીર ચોકડી નજીક લાખના બંગલા પાસે આવેલી નામાંકિત સ્કૂલનો બિભત્સ વીડિયો થયો વાયરલ’ તેવું લખાણ લખેલું હતું. આ ફોટો સ્કૂલ સંચાલકની ચેમ્બરનો ફોટો હતો જેમાં તેઓ સ્ત્રીમિત્ર સાથે હોય તેવું દેખાઈ રહ્યું હતું. કહેવાતી ન્યુઝ પ્લેટમાં અન્ય લખાણ પણ લખેલું હતું. આ ન્યુઝ પ્લેટ જોઈ ગભરાઈ ગયેલા સ્કૂલ સંચાલક યશપાલસિંહ ડરના માર્યા મિત્રનો સંપર્ક કર્યો હતો. મિત્ર દ્વારા સ્કૂલ સંચાલકને એમ કહેવાયું હતું કે જેમણે તમને ન્યુઝ પ્લેટ મોકલી છે તે શખ્સ આશિષ ડાભી છે અને તે તેની પાસે આવ્યો હતો અને આશિષ પાસે આવા સાત વીડિયો હોવાનો દાવો કર્યો હતો.
એકંદરે આશિષ ડાભીએ આ વીડિયો વાયરલ નહીં કરવાના બદલામાં 25 લાખની માંગણી કરી હોવાનું સ્કૂલ સંચાલકના મિત્રએ જણાવ્યું હતું. આ વીડિયો એકલા આશિષ ડાભી પાસે જ નહીં બલ્કે તેના મિત્ર અને કથિત પત્રકાર ધર્મેશ દોશી અને એજાઝ ગોરી નામના શખ્સ પાસે પણ હોવાનું કહ્યું હતું પરંતુ તેમણે સામે આવવાનો ઈનકાર કર્યો હતો. જો આ પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ થઈ જશે તેવું પણ સ્કૂલ સંચાલકના મિત્રએ જણાવ્યું હતું.
આ પછી સ્કૂલ સંચાલક યશપાલસિંહે અન્ય મિત્રનો સંપર્ક સાધ્યો હતો. એ મિત્રએ કહ્યું હતું કે અજેજા અને ધર્મેશ પાસે વીડિયો હોવાની વાત કરી હતી જેથી આ પ્રકરણ પૂર્ણ કરવા સ્કૂલ સંચાલકના મિત્રએ બન્નેને કહ્યું હતું પરંતુ એ બન્નેએ પૈસાની માંગણી કરી હતી. જો પૈસા મળી જશે તો વીડિયો વાયરલ નહીં કરે અન્યથા પોલીસ કે અન્ય કોઈને વાત કરશે તો જીવવું મુશ્કેલ બની જશે તેવી વાત કરી સ્કૂલ સંચાલક અને તેના મિત્રોને ડરાવ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલ સંચાલકે જે-તે સમયે સીસીટીવી ફિટ કરનાર કંપનીનો માણસ કે જેની પાસે પાસવર્ડ હતા તે પાસવર્ડ બદલ્યો ન હોવાને કારણે ફિટ કરનાર માણસે જ સ્કૂલની ચેમ્બરના સીસીટીવી ફૂટેજ મેળવી આ લોકો સાથે મળીને કાવતરાને અંજામ આપ્યો હતો.
જ્યારે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે 25 લાખની ખંડણી માંગ્યા બાદ છેલ્લે 17 લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે તે પહેલાં ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક ફરિયાદીએ કરી લેતાં પોલીસે 17 લાખ પૈકી એક લાખની રકમ જ્યાં ચૂકવાવાની હતી ત્યાં અગાઉથી સ્ટાફ ગોઠવી દીધો હતો અને જેવા ત્રણેયે પૈસાનો સ્વીકાર કર્યો કે તુરંત જ દબોચી લીધા હતા.
ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ બી.બી.બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક સમયે સ્કૂલ સંચાલકને આત્મહત્યા કરી લેવાનો આવ્યો’તો વિચાર
સ્કૂલના સંચાલક યશપાલસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણેય દ્વારા તેમને વારંવાર બ્લેક મેઈલ કરવામાં આવતા હતા અને 25 લાખ રૂપિયા જેવી માતબર રકમની માંગ કરવામાં આવી રહી હોય તેઓ કંટાળી ગયા હતા. આખરે કોઈ રસ્તો ન નીકળતાં તેમને આત્મહત્યા કરી લેવાનો વિચાર પણ આવી ગયો હતો. સદ્ભાગ્યે તેમણે આવું અંતિમ પગલું ભર્યું ન્હોતું અન્યથા બ્લેકમેઈલિંગથી કંટાળી કોઈ વ્યક્તિનો જીવનદીપ બૂઝાઈ ગયો હોત તે વાત નિશ્ચિત હતી !
ક્રાઈમ બ્રાન્ચે કેવી રીતે પાર પાડ્યું આખુ ઓપરેશન ?
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કથિત પત્રકાર આણી ટોળકી પાસે સ્કૂલ સંચાલકની ચેમ્બરનો વીડિયો ઘણા સમય પહેલાં જ આવી ગયો હતો એટલા માટે સૌથી પહેલાં આશિષ ડાભીને ખંડણી માંગવાનો વિચાર આવ્યો હતો. આ પછી તેમાં એજાઝ ગોરી અને ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ દોશી પણ તેમાં સામેલ થયા હતા. આ ત્રણેય દ્વારા 25 લાખની ખંડણી માંગવામાં આવી રહ્યાની ફરિયાદ લઈને સ્કૂલ સંચાલક ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલને મળ્યા હતા. સઘળી વિગત જાણ્યા બાદ ફરિયાદ નોંધવાનું નક્કી કરાયું હતું પરંતુ ત્રણેયને ખંડણીના પૈસા સ્વીકારતાં રંગે હાથે પકડવાના હોય ક્રાઈમ બ્રાન્ચે વ્યવસ્થિત ઓપરેશન ગોઠવ્યું હતું. 25 લાખમાંથી 17 લાખ ખંડણી ચૂકવવાનું સેટલમેન્ટ થયા બાદ તેમાંથી એક લાખની રકમ પ્રથમ હપ્તા પેટે ચૂકવવાનું નક્કી કરાયું હતું. આ રકમ એક હોસ્પિટલમાં સ્વીકારવામાં આવનાર હોવાની માહિતી મળતાં જ ક્રાઈમ બ્રાન્ચે એસીબીની જેમ ટ્રેપ ગોઠવી હતી અને જેવો રકમનો સ્વીકાર કર્યો કે ત્રણેયને પકડી પાડ્યા હતા.
કોની શું ભૂમિકા ?
બ્લેકમેઈલિંગ કાંડમાં બે કથિત પત્રકાર સહિત ત્રણ લોકોના નામે સામે આવ્યા છે ત્યારે તેમાં સૂત્રધાર આશિષ ડાભી હોવાનું સામે આવ્યું છે. આશિષ ડાભી પાસે જ સ્કૂલ સંચાલકની ચેમ્બરનો વીડિયો સૌથી પહેલાં આવ્યો હતો. આ પછી આ મામલામાં એજાઝ ગોરી અને ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ દોશીએ પણ ઝંપલાવ્યું હતું. એકંદરે ત્રણેય એક થઈ ગયા બાદ કેવી રીતે પૈસા મેળવવા તેનું પ્લાનિંગ પણ કરવામાં આવ્યું હોવાના ઓડિયો રેકોર્ડિંગ પોલીસને હાથ લાગ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ત્રણેયે તોડકાંડને આપ્યું `(સ્કૂલનું નામ) મિશન’ નામ
ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે એજાઝ ગોરી, આશિષ ડાભી અને ધર્મેન્દ્ર ઉર્ફે ધમેશ દોશી દ્વારા આ તોડકાંડને `(સ્કૂલનું નામ) મિશન’ એવું નામ આપવામાં આવ્યું હતું. ત્રણેય વચ્ચે ટેલિફોનિક વાતો પણ થતી હતી સાથે સાથે મેસેજ સહિતનું સાહિત્ય પણ પોલીસને હાથ લાગ્યું હતું.