રાજકોટ : મહિલા પેડલર પાસે ડ્રગ મંગાવનાર જામનગરનો શખસ પણ ઝડપાયો
રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન પરથી ૧૯.૮૯ લાખના ડ્રગ સાથે પકડાયેલી મહિલા પેડલર બાદ મહિલા પાસે મુંબઈથી ડ્રગનો જથ્થો મંગાવનાર એઝરૂદીન ઉર્ફે અઝરૂ કાસીમ (ઉ.વ.૩૭ રહે. ખોજાવાડ મચ્છીપીઠ પાસે, જામનગર)ને પકડી પાડયો છે. ગેરજધારક અઝરૂ ડ્રગના નશાનો આદી બની જતા ડ્રગ વેચવાના રવાડે ચડયો હતો. મુંબઈથી નિઝામ નામના શખસ પાસેથી મંગાવતો હોવાની કેફિયત આપતા તપાસ મુંબઇ તરફ લંબાઈ છે.
રેલવે પોલીસે મુંબઇથી આવેલી દુરંતો એકસપ્રેસ ટ્રેનમાંથી ત્રણ દિવસ પહેલા યાસ્મીન સેતા નામની મહિલા તથા સગીરને એમ.ડી. ડ્રગના જથ્થા સાથે પકડી પાડયા હતા. યાસ્મીને પોતાને જામનગરના અઝરૂએ ડ્રગનો જથ્થો લેવા મુંબઈ મોકલી હતી અને ટ્રીપના ૧૦ હજાર આપવાનો વાયદો કર્યો હતો.
જામનગરના અઝરૂને રેલવે પીઆઈ સેજલ પટેલ, પીએસઆઈ બી.જે.જાડેજા તથા ટીમે ઝડપી પાડયો છે. પોલીસની પુછતાછમાં અઝરૂ ગેરેજ ચલાવે છે. નશાની ટેવ પડી જતા ખર્ચ કાઢવા ડ્રગ વેચવાના રવાડે ચડયો હતો. મુંબઈથી ડ્રગ મંગાવી જામનગરમાં કે કોન્ટેકટમાં હોય તેવા ડ્રગ એડીકટને ૨૫૦૦ રૂપિયામાં એક ગ્રામની પુડી વેચતો હતો. મુંબઈના નિઝામ પાસેથી ત્રણ વખત જથ્થો મંગાવ્યાનું કથન કરતા તેમજ જામનગર કે અન્ય પાસેથી પણ ડ્રગ લેતો હોવાની આશંકાએ પોલીસ વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.