રાધનપુરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર; 242 તાલુકામાં મેઘમહેર
અતિભારે વરસાદનું સંકટ: ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 242 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આગામી 48 કલાક માટે હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના એંધાણ સાથે ‘રેડ ઍલર્ટ’ આપ્યું છે.
રાધનપુરમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ: જનજીવન અસ્તવ્યસ્ત
મેઘરાજાએ આજે ઉત્તર ગુજરાતને બાનમાં લીધું છે. ખાસ કરીને પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે:
પાટણ (રાધનપુર): સૌથી વધુ 8.9 ઈંચ (આશરે 9 ઈંચ) વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકાર થયો છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના ઘર આગળ પણ પાણી ભરાઈ ગયાં હતાં.
બનાસકાંઠા: ભાભરમાં 6.77 ઈંચ અને દિઓદરમાં 6.73 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 16 તાલુકામાં 3 ઈંચથી વધુ અને 104 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન પર વિપરીત અસર પડી છે.
આ પણ વાંચો: બગોદરા-સનાથલ હાઈવે 6-7 ફૂટ પાણી ભરાતાં બંને બાજુ બંધ!
રાજ્યમાં વરસાદના મુખ્ય આંકડા (સવારે 6 થી બપોરે 2)
| તાલુકો / જિલ્લો | નોંધાયેલ વરસાદ |
| રાધનપુર (પાટણ) | 8.90 ઈંચ |
| ભાભર (વાવ-થરાદ) | 6.77 ઈંચ |
| દિઓદર (વાવ-થરાદ) | 6.73 ઈંચ |
| સાંતલપુર (પાટણ) | 6.50 ઈંચ |
| મહેમદાબાદ (ખેડા) | 5.20 ઈંચ |
| ધનસુરા (અરવલ્લી) | 4.13 ઈંચ |
| દહેગામ (ગાંધીનગર) | 3.98 ઈંચ |
| વિરપુર (મહીસાગર) | 3.90 ઈંચ |
આગામી 48 કલાક માટે ઍલર્ટ અને આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સક્રિય ચોમાસાની સિસ્ટમના કારણે આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટાના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
રેડ ઍલર્ટ:નવસારી, વલસાડ (અત્યંત ભારે વરસાદ અને પૂરની શક્યતા)
ઓરેન્જ ઍલર્ટ: સુરત, તાપી, ડાંગ
યલો ઍલર્ટ: ખેડા, આણંદ, ભરૂચ
તંત્ર દ્વારા નાગરિકોને અપીલ
હવામાન ખાતાની ચેતવણી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને આગામી બે દિવસ સુધી બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે. નદી કાંઠાના વિસ્તારો અને ખેડૂતોને ખાસ એલર્ટ રહેવા જણાવાયું છે.
