રેસકોર્સના મેદાનમાં તા.૨ સપ્ટેમ્બરથી પાંચ દિવસ મેળાના આયોજન માટે આજે કલેક્ટર અધ્યક્ષસ્થાને પ્રથમ બેઠક, અધિકારીઓ રહેશે હાજર
સૌરાષ્ટ્રભરમાં ખ્યાતિ ધરાવતા રાજકોટના જન્માષ્ટમી ભાતીગળ લોકમેળા માટે કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓના મંડાણ શરૂ કર્યા છે. આજે લોકમેળા સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળશે. આ વખતે પણ મેળો જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ન આવે તો રેસકોર્સના મેદાનમાં જ યોજાશે. લોકમેળાને ન્યુ રેસકોર્સ અટલ સરોવર નજીક ખસેડાશે. સ્થળ બદલાશેની પણ ગત વર્ષે વાતો ગાજી હતી. જો કે મેળો રાબેતા મુજબ શહેરની મધ્યેના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ યોજાયો હતો. આ વખતે જન્માષ્ટમીએ મેળો ત્યાં જ મહાલવા મળશે.
આ પણ વાંચો: મનુ ભાકર થી લઈને દેશના અનેક ચેમ્પિયન્સના ગુરુ જસપાલ રાણા એ લીધા અંતિમ શ્વાસ
આગામી સપ્ટેમ્બર માસની ૨જી તારીખે રાંધણ છઠ્ઠથી તા.૬ને રવિવાર સુધી પાંચ દિવસીય મેળાની પૂર્વ તૈયારીઓ માટે કલેક્ટર તંત્રએ ખાંડા ખખડાવી લીધા છે. આજે કલેક્ટર ડો.ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને સભા ખંડમાં લોકમેળા આયોજન સમિતિની બેઠક મળશે. જેમાં પ્રાંત અધિકારી, મામલતદારો, સંબંધિત નાયબ મામલતદારો અને મેળામાં કામગીરી, ડ્યુટી નિભાવતા અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
મેળામાં વિવિધ નાના-મોટા સ્ટોલ્સથી લઈ રાઈડ્સ માટેની જગ્યા સહિતની આયોજનની ચર્ચા થશે. બેઠકમાં કલેક્ટર તંત્ર ઉપરાંત પીજીવીસીએલ, આરએન્ડબી સહિતના વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. કલેક્ટર તંત્ર દ્વારા આજે મેળા સંદર્ભે પ્રથમ મીટિંગ સાથે અઢી માસ પૂર્વે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાશે.
