મુખ્યમંત્રીના રાજકોટના કાર્યક્રમની તૈયારીમાં લાગ્યું તંત્ર : સંભવિત મુલાકાતને લઈને યોજાઇ બેઠક
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગામી પાંચ જૂનના રોજ રાજકોટ ખાતે સંભવિત મુલાકાતના આયોજન અંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અન્ન, નાગરિક અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કાર્યક્રમના આયોજન સંબંધી વિગતો મેળવતા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થનારા વિવિધ વિકાસ કામોનો મહત્તમ લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચે, તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીની મુલાકાતના આયોજન અંગે બેઠક યોજાઈ
કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે કાર્યક્રમ અંતગર્ત મુખ્યમંત્રીના હસ્તે જેટકો- પાણીપુરવઠા-મહાનગરપાલિકા-સ્પોર્ટસ વગેરે વિભાગોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. જેના સુચારુ આયોજન અંગે ઉપસ્થિત અધિકારીઓને મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, આમંત્રણ પત્રિકા, પીવાના પાણી, બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ તથા અન્ય આનુષાંગિક કામો અંગે ઝીણવટભરી વિગતોની ચર્ચા કરી તૈયારીઓ સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સિંચાઇ, વન, રમત-ગમત, પોલીસ, જેટકો, પાણી પુરવઠા, સેનિટેશન વગેરે સંલગ્ન વિભાગોના અધિકારીઓને સમગ્ર કાર્યક્રમ સંદર્ભે પોતાની કામગીરીનું ચુસ્ત આયોજન કરવા કલેકટરએ તાકીદ કરી હતી.
આ પણ વાંચો : 9 મહિના બાદ રાજકોટના તમામ કોમ્યુનિટી હોલ ફરી શરૂ : આ રીતે કરો ઓનલાઈન બુકિંગ

આ બેઠકમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સંસદસભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને દર્શિતાબેન શાહ, અગ્રણી માધવ દવે તેમજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાદેશિક નગરપાલિકા નિયામક મહેશ જાની, આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન, નિવાસી અધિક કલેક્ટર ગૌતમ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછાર, રૂડાના સીઈઓ જી. વી. મિયાણી, ડેપ્યુટી કલેક્ટર દિલીપ સિંહ વાળા તથા ઇશિતા મેર, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.