ટ્રમ્પ ફરી મેદાનમાં, ભારત સહિત 60 અર્થતંત્રો પર નવા ટેરિફ વોરના ટકોરા
ફોર્સ્ડ લેબર મુદ્દે 12.5% ટેરિફની દરખાસ્ત
અમેરિકાએ ફરજિયાત મજૂરી (ફોર્સ્ડ લેબર) સાથે જોડાયેલા ઉત્પાદનો સામે કડક વલણ અપનાવી ભારત અને ચીન સહિત 60 અર્થતંત્રો પર 12.5 ટકા સુધી વધારાના ટેરિફ લગાવવાની દરખાસ્ત મૂકી છે. અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસ (USTR) દ્વારા મૂકાયેલી આ દરખાસ્ત અમલમાં આવે તો ભારતમાંથી અમેરિકામાં જતાં અનેક ઉત્પાદનો મોંઘા પડી શકે છે અને દ્વિપક્ષીય વેપાર ચર્ચાઓ પર પણ તેની અસર થવાની શક્યતા છે.
આ પ્રસ્તાવ અમેરિકાના ટ્રેડ એક્ટ-1974ની સેક્શન 301 હેઠળ મૂકાયો છે. આ જ કાયદા હેઠળ અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ચીન સામે ભારે ટેરિફ લગાવ્યા હતા. હાલ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આવી દરખાસ્તે નવી ચિંતા ઊભી કરી છે.
USTR મુજબ જે દેશોએ ફરજિયાત મજૂરીથી બનેલા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો નથી અથવા અસરકારક અમલ કર્યો નથી, તે દેશો સામે વધારાના શુલ્કનો પ્રસ્તાવ છે. સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ ધરાવતા દેશો પર 10 ટકા સુધી ટેરિફ અને પ્રતિબંધ ન મૂકનાર દેશો પર 12.5 ટકા સુધી ટેરિફનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જામીસન ગ્રીરે જણાવ્યું હતું કે ફરજિયાત મજૂરીથી બનેલા માલના આયાત મુદ્દે અનેક વેપારી ભાગીદારોનું નિષ્ક્રિય વલણ અમેરિકન કામદારો માટે અસમાન સ્પર્ધા ઊભી કરે છે. USTRના અહેવાલમાં ભારત અંગે કહેવામાં આવ્યું છે કે દેશમાં ફરજિયાત મજૂરી સાથે જોડાયેલા આયાતી માલ પર અસરકારક પ્રતિબંધ અને અમલનો અભાવ છે, જેના કારણે અમેરિકન વેપાર હિતોને નુકસાન પહોંચે છે.
જો કે હાલ આ પ્રસ્તાવ અંતિમ નથી અને આગળ સમીક્ષા તથા ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેવાશે. તેમ છતાં, અમેરિકાની આ કાર્યવાહીથી વૈશ્વિક વેપાર મોરચે ફરી અનિશ્ચિતતા વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને ભારત અને ચીન જેવા એશિયાઈ નિકાસકાર દેશો માટે આ મુદ્દો મહત્વનો બની શકે છે.
ક્યા દેશો અમેરિકાના નિશાન પર?
ભારત અને ચીન ઉપરાંત યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન, વિયેતનામ, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, કેનેડા, મેક્સિકો તેમજ કેટલાક ગલ્ફ દેશો પણ અમેરિકાની દરખાસ્ત હેઠળ આવ્યા છે. USTR મુજબ કેનેડા, મેક્સિકો, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, ઇક્વાડોર અને યુરોપિયન યુનિયન જેવા કેટલાક દેશોએ કાયદાકીય પ્રતિબંધો તો મૂક્યા છે, પરંતુ તેનો અસરકારક અમલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. અમેરિકા માને છે કે ફરજિયાત મજૂરીથી બનેલા ઉત્પાદનો ઓછા ખર્ચે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પ્રવેશે છે, જેના કારણે કડક મજૂર ધોરણો અપનાવનારા દેશોના ઉદ્યોગોને નુકસાન થાય છે.
