9 મહિના બાદ રાજકોટના તમામ કોમ્યુનિટી હોલ ફરી શરૂ : આ રીતે કરો ઓનલાઈન બુકિંગ
રાજકોટમાં ગત વર્ષે 25 મેએ TRP ગેઈમ ઝોન અગ્નિકાંડની ગોઝારી દૂર્ઘટના બની જતાં ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીને લઈને મહાપાલિકા તંત્ર દ્વારા આકરું વલણ અખત્યાર કરવામાં આવ્યું હતું. ભલે તંત્ર દ્વારા રેસિડેન્શિયલ-કોમર્શિયલ મિલકતોને એનઓસી અને સાધનો વસાવી લેવાની હજારો નોટિસ આપવામાં આવી હોય અને તેમાંથી આંગળીના વેઢે જ ગણી શકાય તેટલાએ નિયમનું પાલન કર્યું હોય પરંતુ મહાપાલિકા હસ્તકના કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમ પણ ફાયર સેફ્ટીના સાધનો-NOC વગરના હોવાનું ધ્યાન પર આવતાં 31 ઑગસ્ટ-2024થી તેને બંધ કરી દેવામાં આવ્યા હતા.

મહાપાલિકા હસ્તક અલગ-અલગ વોર્ડમાં કુલ 18 કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમ આવેલા છે. અમુક કોમ્યુનિટી હોલમાં એકથી વધારે યુનિટ હોવાથી તેની સંખ્યા 25 જેવી થવા જાય છે. આ તમામને ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સાધન વસાવવા માટે 31 ઑગસ્ટથી બંધ કરી દેવામાં આવ્યા હતા. કુલ 18 પૈકી પાંચ એપ્રિલે આઠ કોમ્યુનિટી હોલ શરૂ કરી દેવામાં આવ્યા હતા ત્યારે વધુ ચારમાં કાર્યવાહી પૂર્ણ થઈ જતાં તેને પણ શરૂ કરવામાં આવ્યા છે. હવે એકમાત્ર પેડક રોડ પર અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમનું જ કામ બાકી હોય તે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ હોલ ચાર હજારથી 30 હજાર સુધીના ભાડે મળશે.

હોલનું બુકિંગ કેવી રીતે કરી શકાશે ?
- મહાપાલિકાની વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લીકેશન ઉપર હોલ બુકિંગ સિલેક્ટ કરવું
- હોલ બુકિંગમાં જઈ અરજદારે તેનું નામ, સરનામું, મોબાઈલ નંબર, આઈડી કાર્ડ નંબર આપવો
- અરજદારેપોતાની બેન્કની વિગત દાખલ કરવી (બેન્ક પાસબુક અથવા ચેકબુક સાથે રાખવી)
- અરજદારે બુકિંગ કરાવવા માટેનો કોમ્યુનિટી હોલ-ઓડિટોરિયમ પસંદ કરવો
- પ્રસંગનો હેતુ પસંદ કરવો
- પ્રસંગની તારીખ પસંદ કરવી જે થયા બાદ લીલો રંગ દર્શાવેતો બુકિંગ ખાલી, લાલ રંગ હોય તો બુકિંગ થઈ ગયેલું છે અને ભૂરો રંગ હોય તો બુકિંગ ખુલવાનું બાકી છે તેમ માનવું
- બુકિંગ ખાલી હોય તો ત્યાં કેપ્ચા કોડ દાખલ કરી `સેવ એન્ડ પેમેન્ટ’ પર સિલેક્ટ કરવું
- ચૂકવણાના વિવિધ વિકલ્પ દર્શાવાયા બાદ તેમાંથી એક પસંદ કરી ચૂકવણું કરવું
- આ પછી મહાપાલિકાની વેબસાઈટ પર જઈ હોલ બુકિંગ રિસિપ્ટમાં જઈ રિસિપ્ટ ડાઉનલોડ કરવી