RTEના બે રાઉન્ડ પછી 9 હજારથી વધુ બેઠક ખાલી : આજથી શરૂ થયો ત્રીજો રાઉન્ડ, 4 જૂન સુધી કરી શકાશે શાળા પસંદગી
રાઈટ ટુ એજ્યુકેશન (RTE)ની પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ રાજ્ય શિક્ષણ વિભાગે ખાલી પડેલી 9 હજાર કરતા વધુ બેઠકો માટે હવે ત્રીજો રાઉન્ડ 2 જૂનને સોમવારથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેના માટે 4 જૂન સુધી વાલીઓ શાળાની પુન: પસંદગી કરી શકશે. જે વિદ્યાર્થીઓને પ્રથમ બે રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશ ફાળવાયો નથી તેઓ જ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે.

તેમજ વાલીઓ દ્વારા પુનઃ પસંદગી કરવામાં નહીં આવે તેમની અગાઉની પસંદગીના માન્ય રાખીને ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરવામાં આવશે. બે રાઉન્ડની કાર્યવાહી બાદ કુલ 85760 જેટલા બાળકોએ શાળામાં ચોક્કસ સમયમર્યાદામાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા.

આ પછી બે રાઉન્ડની કાર્યવાહી બાદ RTEની 9157 બેઠકો ખાલી પડી હતી. આ માટે હવે ત્રીજા રાઉન્ડ માટે ૨૫ ટકા મુજબ ઉપલબ્ધ 9157 ખાલી જગ્યાઓ પર પ્રવેશ આપી શકાશે. હાલમાં જે બેઠકો ખાલી પડી છે તેમાં અંગ્રેજી માધ્યમની 5263, ગુજરાતી માધ્યમની 1800, હિન્દી માધ્યમની 1920, મરાઠી માધ્યમની 30, ઉડીયા માધ્યમની 105 અને ઉર્દુ માધ્યમની 39 બેઠકોનો સમાવેશ થાય છે.