PBKS vs RCB : આજે મોદી સ્ટેડિયમ સિંદૂરના રંગની લાઈટથી ઝળહળી ઉઠશે, શંકર મહાદેવન સહિતના કલાકારો કરશે પરફોર્મ
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર IPL-18નો ફાઈનલ મુકાબલો રમાશે. આ મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે `ઓપરેશન સિંદૂર’ના માનમાં શાનદાર, જાનદાર, દમદાર કાર્યક્રમનું આયોજન BCCI દ્વારા કરવામાં આવ્યું છે. એકંદરે આજે આખું સ્ટેડિયમ સિંદૂરના રંગની લાઈટથી ઝળહળી ઉઠશે. આ ઉપરાંત કાર્યક્રમમાં શંકર મહાદેવન સહિતના કલાકારો પરફોર્મ કરનાર હોવાનું જાણવા મળ્યું છે. BCCI -GCA (ગુજરાત ક્રિકેટ એસો.) દ્વારા સ્ટેડિયમમાં સેનાના જવાનો માટે મોટાપાયે સીટ પણ રિઝર્વ રાખવામાં આવી છે.

લેઝર શૉનું પણ આયોજન
આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે આઇપીએલનું ટાઇટલ જીતવા મુકાબલો ખેલાશે. સાંજે 4:30થી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. સાંજે 6 કલાકથી સમાપન સમારોહનો પ્રારંભ થવાનો છે. જેમાં શંકર મહાદેવન દ્વારા ‘મા તુજે સલામ… લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ… , સબ સે આગે હેં હિન્દુસ્તાની…, આઇ લવ માય ઇન્ડિયા… જેવા ગીત પર પર્ફોમ કરવામાં આવશે.

ફ્લાઈટ તેમજ મેચની ટિકિટ બન્નેના ભાવ આસમાને
બીજી બાજુ IPLનો ફાઈનલ મુકાબલો નિહાળવા માટે આખા દેશમાંથી ક્રિકેટરસિકો અમદાવાદ આવનાર હોવાને કારણે ફ્લાઈટ તેમજ મેચની ટિકિટ બન્નેના ભાવ આસમાને પહોંચી જવા પામ્યા છે. બીજી બાજુ ટિકિટના ભાવ વધતાં જ કાળાબજારિયાઓ મેદાને ઉતરી જતાં એક ટિકિટનો ભાવ હજારો રૂપિયા બોલાઈ રહ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી આ મેચની એક ટિકિટ અધધ 65 હજાર રૂપિયામાં વેચાઈ હતી ! આ ઉપરાંત બુકિંગ સાઈટ ઉપર 34 હજાર જેટલી ટિકિટનું વેઈટિંગ હોવાનું પણ જાણવા મળ્યું છે. જીસીએ દ્વારા 80 હજાર ટિકિટ વેચવામાં આવશે જે પાંચ-પાંચ હજાર ટિકિટના સ્લોટવાઈઝ વેચવામાં આવશે.

બીજી બાજુ ફ્લાઈટની ટિકિટનું ભાડું પણ આકાશને આંબી ગયું છે. દિલ્હી, બેંગ્લુરુ, મુંબઈ અને ચંદીગઢથી અમદાવાદ આવનારી ફ્લાઈટનું ભાડું 25 હજારે પહોંચ્યું છે જે સામાન્ય દિવસોમાં 2500થી 4500 રૂપિયા હોય છે. આ ઉપરાંત હોટેલના ભાડામાં પણ રાતોરાત વધારો આવી ગયો છે. દરમિયાન જો આજે અમદાવાદમાં વરસાદ પડે અને મેચ ન રમાય તો આવતીકાલે બુધવારે રમાશે.
આશ્ચર્યની વાત એ છે કે ફાઈનલ મુકાબલો ગુજરાતમાં રમાનાર છે પરંતુ બન્ને ટીમ વચ્ચે એકમાત્ર ગુજરાતી ખેલાડી છે જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વતી રમશે. આ ખેલાડી કૃણાલ પંડ્યા છે જેને તક મળે છે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે.