PBKS vs RCB : આજે અમદાવાદમાં IPLની ફાઈનલ, કોણ મારશે બાજી? પંજાબ 11 વર્ષ તો બેંગલોર 9 વર્ષ બાદ ટ્રોફી માટે ઉતરશે
આજે ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL)ની અઢારમી સીઝનનો ફાઈનલ મુકાબલો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જ ર્સ બેંગ્લુરુ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર રમાશે. એકંદરે 2016 બાદ પહેલી વખત કોઈ નવી ટીમ ચેમ્પિયનનો તાજ પહેરશે. પંજાબ કિંગ્સે ક્વોલિફાયર-2 મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવી ફાઈનલમાં જગ્યા મેળવી હતી. અગાઉ પંજાબ અને બેંગ્લુરુએ ક્યારેય ટ્રોફી જીતી નથી. એકંદરે પંજાબ 11 વર્ષ બાદ બીજી વખત અને RCB ચોથી વખત ફાઈનલ મુકાબલો રમવા ઉતરશે. પંજાબ અગાઉ 2014માં તો RCB 2009, 2011, 2016 બાદ હવે 2025માં ફાઈનલ રમશે.

PBKSને ફાઈનલની ટિકિટ અપાવવામાં કેપ્ટનનું યોગદાન અત્યંત મહત્ત્વનું
પંજાબ કિંગ્સને ફાઈનલની ટિકિટ અપાવવામાં કેપ્ટન શ્રેયસ અય્યરનું યોગદાન અત્યંત મહત્ત્વનું રહ્યું છે. શ્રેયસ IPLનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે ત્રણ અલગ-અલગ ટીમને ફાઈનલમાં પહોંચાડી છે. તેણે 2020ના ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ તો 2024માં KKRને ફાઈનલમાં પહોંચાડી હતી. પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ લીગ સ્ટેજમાં પ્રથમ અને બીજા નંબરે રહ્યા હતા. પંજાબે 14માંથી નવ મેચ જીતી તો RCB 19 પોઈન્ટ મેળવી બીજા ક્રમે રહીને પ્લેઓફમાં પહોંચ્યું હતું. બન્ને ટીમ લીગમાં બે વખત ટકરાઈ ચૂકી છે. પંજાબે આ સીઝનમાં RCBને બેંગ્લુરમાં હરાવ્યું હતું જ્યારે RCBએ મુલ્લાંપુરમાં પંજાબને હરાવીને હિસાબ ચૂકતે કર્યો હતો. આજે અમદાવાદના મોદી સ્ટેડિયમ ઉપર ‘ઓપરેશન સિંદૂર’ ના માનમાં ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ યોજાશે જેમાં શંકર મહાદેવન સહિતના કલાકારો પરફોર્મ કરશે.

લેઝર શૉનું પણ આયોજન
આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે આઇપીએલનું ટાઇટલ જીતવા મુકાબલો ખેલાશે. સાંજે 4:30થી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. સાંજે 6 કલાકથી સમાપન સમારોહનો પ્રારંભ થવાનો છે. જેમાં શંકર મહાદેવન દ્વારા ‘મા તુજે સલામ… લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ… , સબ સે આગે હેં હિન્દુસ્તાની…, આઇ લવ માય ઇન્ડિયા… જેવા ગીત પર પર્ફોમ કરવામાં આવશે.
ફ્લાઈટ તેમજ મેચની ટિકિટ બન્નેના ભાવ આસમાને

બીજી બાજુ IPLનો ફાઈનલ મુકાબલો નિહાળવા માટે આખા દેશમાંથી ક્રિકેટરસિકો અમદાવાદ આવનાર હોવાને કારણે ફ્લાઈટ તેમજ મેચની ટિકિટ બન્નેના ભાવ આસમાને પહોંચી જવા પામ્યા છે. બીજી બાજુ ટિકિટના ભાવ વધતાં જ કાળાબજારિયાઓ મેદાને ઉતરી જતાં એક ટિકિટનો ભાવ હજારો રૂપિયા બોલાઈ રહ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી આ મેચની એક ટિકિટ અધધ 65 હજાર રૂપિયામાં વેચાઈ હતી ! આ ઉપરાંત બુકિંગ સાઈટ ઉપર 34 હજાર જેટલી ટિકિટનું વેઈટિંગ હોવાનું પણ જાણવા મળ્યું છે. જીસીએ દ્વારા 80 હજાર ટિકિટ વેચવામાં આવશે જે પાંચ-પાંચ હજાર ટિકિટના સ્લોટવાઈઝ વેચવામાં આવશે.
બીજી બાજુ ફ્લાઈટની ટિકિટનું ભાડું પણ આકાશને આંબી ગયું છે. દિલ્હી, બેંગ્લુરુ, મુંબઈ અને ચંદીગઢથી અમદાવાદ આવનારી ફ્લાઈટનું ભાડું 25 હજારે પહોંચ્યું છે જે સામાન્ય દિવસોમાં 2500થી 4500 રૂપિયા હોય છે. આ ઉપરાંત હોટેલના ભાડામાં પણ રાતોરાત વધારો આવી ગયો છે. દરમિયાન જો આજે અમદાવાદમાં વરસાદ પડે અને મેચ ન રમાય તો આવતીકાલે બુધવારે રમાશે.
આશ્ચર્યની વાત એ છે કે ફાઈનલ મુકાબલો ગુજરાતમાં રમાનાર છે પરંતુ બન્ને ટીમ વચ્ચે એકમાત્ર ગુજરાતી ખેલાડી છે જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વતી રમશે. આ ખેલાડી કૃણાલ પંડ્યા છે જેને તક મળે છે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે.