સરકારી જમીન ઉપર સાડીનું કારખાનું !! 40 કરોડની જમીન ખુલ્લી કરાઈ
- મોરબી રોડ જુના જકાતનાકા નજીક ઇસ્ટ મામલતદાર કચેરીનું ઓપરેશન ડિમોલિશન
રાજકોટ શહેરના પૂર્વ વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી જતા હાઇવે ઉપર જુના જકાત નાકા નજીક અંદાજે 40 કરોડ રૂપિયાની કિંમતી સરકારી જમીન ઉપર છેલ્લા પાંચેક વર્ષથી સાડીનું કારખાનું, ચાની હોટલ, ઓરડીઓ, મજૂરના રૂમ તેમજ નર્સરી સહિતના દબાણ ખડકાઈ ગયા હોવાથી જિલ્લા કલેકટર તેમજ પ્રાંત-1ની સૂચના બાદ ઇસ્ટ મામલતદાર કચેરી દ્વારા મંગળવારે ઓપરેશન ડિમોલિશન હાથ ધરી 4047 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી જતા હાઇવે ઉપર જુના જકાત નાકા નજીક આવેલ રાજકોટના રેવન્યુ સર્વે નંબર 75 પૈકીની 4047 એટલે કે એક એકર જમીન ઉપર છેલ્લા પાંચેક વર્ષથી સાડીનું કારખાનું, ચાર ઓરડીઓ, ચા-પાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના ચાર રૂમ તેમજ નર્સરી સહિતના દબાણ ખડકાઈ ગયા હોય રાજકોટ ઇસ્ટ મામલતદાર દ્વારા દબાણ અંગેનો કેસ ચલાવવામાં આવ્યો હતો.

બાદમાં મંગળવારે રાજકોટ ઇસ્ટ મામલતદાર અને તેમની ટીમે જિલ્લા કલેકટર પ્રભવ જોશી, સીટી પ્રાંત-1 ડો.ચાંદની પરમારની સૂચના મુજબ સવારથી ઓપરેશન હાથ ધરી અંદાજે 40 કરોડની કિંમતની રેવન્યુ સર્વે નંબર 75 પૈકીની 4047 જમીન ઉપરથી દબાણ હટાવતા દબાણકારોમાં ફફડાટ મચી ગયો હતો. આ કાર્યવાહી સીટી મામલતદાર એસ. જે.ચાવડા, સર્કલ ઓફીસર સત્યમભાઇ શેરસીયા, તલાટી ઘારાબેન વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. આરએમસીના તેમજ પીજીવીસીએલ સ્ટાફની મદદ સાથે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન ડિમોલિશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.