હવે ફટાકડી લટકાવનારના લાયસન્સ રદ્દ થશે : હથિયાર સાથે વીડિયો બનાવી વાયરલ કરનારને હર્ષ સંઘવીની ચેતવણી
રાજકોટ સહિત આખા ગુજરાતમાં હજારો હથિયારધારકો છે મતલબ કે તેમની પાસે હથિયાર રાખવાનું લાયસન્સ છે. આ હથિયાર લોકોએ સુરક્ષાનું કારણ આપીને મેળવ્યું છે ત્યારે હથિયાર રાખવા માટે અનેક પ્રકારના નિયમ અમલમાં છે પરંતુ ભાગ્યે જ તેનું પાલન થઈ રહ્યું હોવાનું ધ્યાન પર આવ્યું છે. અનેક હથિયારધારકો સોશ્યલ મીડિયા ઉપર હથિયાર સાથેના વીડિયો અને રિલ બનાવી વાયરલ કરતાં હોય તેમની સામે ગુનો નોંધવામાં આવી રહ્યો હતો પરંતુ હવેથી હથિયાર કમરે લટકાવી ફરનારા લોકોના લાયસન્સ જ રદ્દ કરવાની જાહેરાત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી.
તેમણે કહ્યું કે વિઝિબલ મતલબ કે દેખાય તે રીતે હથિયાર રાખનાર લોકો સામે ગુનો નોંધી લાયસન્સ રદ્દ કરવામાં આવશે. આ ઉપરાંત રિલ્સ બનાવવા કે હથિયાર સાથેનો વીડિયો અપલોડ કરનારા લોકોનું લાયસન્સ પણ રદ્દ કરાશે. આ પ્રકારની ઝુંબેશ રાજકોટ સહિત આખા ગુજરાતમાં શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે લાયસન્સવાળું હથિયાર લોકો પોતાની સુરક્ષા માટે લેતાં હોય છે પરંતુ જેવું હથિયાર આવે એટલે તે લોકોને બરાબરનું દેખાય તે રીતે કમરે રાખતાં હોય હવે તે ચલાવી લેવામાં આવશે નહીં. એકંદરે હથિયાર લોકો જોઈ ન શકે તે પ્રકારે રાખવાનો નિયમ વર્ષોથી અમલમાં છે પરંતુ હવે તેનું કડકપણે પાલન કરવામાં આવશે.