માવઠાથી રાજકોટ જિલ્લાના 3 લાખથી વધુ ખેડૂતને આર્થિક ફટકો : કલેકટર-DDOએ CMને નુકસાનીનો ચિતાર આપ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ સાંબેલાધારે વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો છે ત્યારે રાજ્ય સરકારના આદેશ બાદ ત્રણ જ દિવસમાં સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં ખરીફ સીઝનમાં કુલ 5.23 લાખ હેકટરથી વધુ જમીન પર ખરીફ પાકોની વાવેતર થયું હતું જેમાં માવઠાને કારણે જિલ્લામાં 4.30 લાખ હેકટરથી વધુ જમીન પરના ખરીફ પાકને 33 ટકાથી વધુ નુકશાન થયું હોવાનો સર્વે પૂર્ણ થતા ગઈકાલે રાજકોટ એરપોર્ટ ખાતે જિલ્લા કલેકટર અને ડીડીઓએ જિલ્લાની સ્થિતિનો ચિતાર આપ્યો હોવાનું સામે આવ્યું છે.
ઓણસાલ સમયસર અને ખેડૂતોની જરૂરત પ્રમાણે વરસાદ થયો હોવાથી રાજકોટ જિલ્લામાં પાક પાણીની સ્થિતિ ખુબ સારી હતી. વર્ષ 2025ની ખરીફ મોસમમાં રાજકોટ જિલ્લામાં 5,23,022 હેકટર જમીનમાં વાવેતર થયું હતું. જેમાં મુખ્યત્વે 3,20.800 હેક્ટરમાં મગફળી, 1,18,628 હેકટર જમીનમાં કપાસ તેમજ 23,940 હેકટર જમીનમાં સોયાબીન સહીતના પાકોનુ વાવેતર થયું હતું. બીજી તરફ દિવાળી બાદ તૈયાર થયેલ મગફળી ઉપાડવા સમયે જ સતત પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરમાં ઉપાડેલી મગફળી અને સોયાબીન સહિતના પાક સડી ગયા છે. સાથે જ કપાસમાં પણ વિણ તૈયાર થઇ ગઈ હોય માવઠાને કારણે કપાસનો પાક પણ સ્વાહા થઇ ગયો હતો.
ગોંડલ અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ નુકસાન

બીજી તરફ માવઠાથી ખેડૂતોના તૈયાર પાક સ્વાહા થઇ જતા મોઢે આવેલ કોળિયો છીનવાઈ જતા સરકાર દ્વારા તાબડતોબ ગામે ગામ ખેડૂતોને નુકશાની અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જો કે, સરકારના સર્વે સામે પણ ખેડૂતોમાં ભારે વિરોધ ઉઠ્યો હતો અને ટેકાના ભાવની ખરીદીમાં ડિજિટલ ક્રોપ સર્વેમાં સેટેલાઈટમાં વાવેતર જોનારી સરકાર સર્વે વગર જ નુકશાન સહાય ચૂકવે તેવી માંગ કરતા ત્રણ દિવસમાં જ સર્વે સમેટી લેવામા આવ્યો હતો. રાજકોટ ખેતીવાડી વિભાગના સર્વે મુજબ રાજકોટ જિલ્લામાં 4,30, 873 હેક્ટરમાં 33 ટકા કે તેથી વધુ નુકશાન થયું હોવાનું અને 3,07,726 ખેડૂત નુકશાનીનો ભોગ બન્યા હોવાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગઈકાલે રાત્રે રાજ્યના મુખ્યમંત્રી જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત બાદ રાજકોટ એરપોર્ટ આવ્યા હતા ત્યારે જિલ્લામાં થયેલ નુકશાની અંગેનો ચિતાર તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : પડે ત્યાં પોટલા! ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ, ઓછા સમયમાં વધુ માત્રામાં વરસાદ વરસવામાં સૌરાષ્ટ્રના જિલ્લા મોખરે
ગ્રામ પંચાયતોના રિપોર્ટ આખરી ગણવા સરકારનો આદેશ
રાજ્યમાં માવઠાથી થયેલ નુકશાન અંગે રાજ્ય સરકાર દ્વારા અગાઉ ગામે ગામ તલાટી અને ગ્રામસેવક મારફતે સર્વે કરવા નક્કી કર્યું હતું પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ખરીફ પાક સ્વાહા થઇ ગયો હોય ગામે ગામથી સરકાર વિરુદ્ધ ઉઠી રહેલા સુરને કારણે સરકાર દ્વારા ગુપચુપ રીતે તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર નુકશાનીનો આંક મેળવી અને પંચાયત દર્શાવે તે મુજબ જ નુકસાન આંકવા આદેશ કરતા રાજકોટ જિલ્લામાં કુલ 5.23 લાખ હેકટર ખરીફ વાવતેર પૈકી 4.30 લાખ હેકટર જમીનમાં તૈયાર પાકને નુકશાન થયું હોવાનો સર્વે બે દિવસમાં જ પૂર્ણ કરી લેવાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : PDM ફાટક પાસે રાજકોટનો સૌથી લાંબો `ઝેડ’ આકારનો અન્ડરબ્રિજ બનશે : 50 મિલકત કપાશે, યાદી તૈયાર
ગોંડલ અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ નુકશાન
રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ 11 તાલુકાના કુલ 652 ગામોમાં ખેતીવાડીને નુકશાન અંગે ખેતીવાડી શાખા દ્વારા 102 ટીમો મારફતે સર્વે કરાવવામાં આવ્યો હતો.જેમાં કુલ 4.30 લાખ હેકટર જમીનમાં તૈયાર થયેલ પાકને નુકશાન થયું હોવાનો આંકડો સામે આવ્યો છે. જિલ્લામાં સૌથી વધુ નુકશાન ગોંડલ અને રાજકોટ તાલુકામાં થયું છે. તાલુકા મુજબ નુકશાનના આંકડા નીચે મુજબ છે.
