જુનાગઢના PSI સાથે 5.50 લાખની છેતરપિંડી !! આરોપીએ કહ્યું, પૈસા નથી દેવા, થાય તે કરી લેજો
સામાન્ય લોકો સાથે યેનકેન પ્રકારે છેતરપિંડી થયાના બનાવો તો રોજ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે પરંતુ પીએસઆઈ દરવાના કર્મચારી સાથે છેતરપિંડી થાય ત્યારે એ મામલાની ચર્ચા થયા વગર રહેતી નથી. આવી જ એક છેતરપિંડી અગાઉ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં અને હાલ પોલીસ ટ્રેનિંગ સેન્ટર-જૂનાગઢ ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં મહેન્દ્રકુમાર ભીખુભાઈ જેબલિયા (ઉ.વ.48) સાથે થઈ હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મહેન્દ્રકુમાર જેબલિયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે 2019માં તેઓ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં હતા ત્યારે તેમનો સંપર્ક નયન જતીનભાઈ સેજપાલ (રહે.સીનર્જી હોસ્પિટલ પાસે) સાથે થયો હતો. જતીને પીએસઆઈ જેબલિયા સાથે મિત્રતા કેળવ્યા બાદ કહ્યું હતું કે તે જમીન-મકાનની દલાલી કરે છે અને જો પીએસઆઈએ મિલકતમાં રોકાણ કરવું હોય તો તેના ધ્યાન પર ઘણી મિલકત છે.
આ પછી તેણે લિસ્ટ પણ બતાવ્યું હતું પરંતુ પીએસઆઈએ કોઈ રસ દાખવ્યો ન્હોતો. આ પછી જતીને એક વખત વૉટસએપ કોલે કરીને તે દારૂ-જુગારની બાતમી પણ આપશે તેવું કહ્યું હતું.
દરમિયાન 1-1-2019ના બપોરે 12:24 વાગ્યે જતીનના ફોન ઉપરથી પીએસઆઈ જેબલિયાને ફોન આવ્યો હતો અને તેણે તેમને સીનર્જી હોસ્પિટલે બોલાવ્યા હતા. જો કે પીએસઆઈ ગયા ન્હોતા. ત્યારબાદ બપોરે 4:36 વાગ્યે ફરીથી ફોન આવતાં પીએસઆઈ ત્યાં જતાં જતીનેકહ્યું હતું કે પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરો કેમ કે 25 લાખના એક ફ્લેટનું ટોકન આપવું છે. આ ફ્લેટ ૨૯ લાખમાં લેવા માટે એક ગ્રાહક પણ તૈયાર છે જે વેચશું તો ચાર લાખનો ફાયદો થશે તેમાંથી બે લાખ પીએસઆઈ જેબલિયા રાખશે અને બે લાખ જતીન રાખશે તેવું નક્કી થયું હતું. આ પછી પીએસઆઈ જેબલિયાએ તમના ભાઈ નરેન્દ્ર પાસેથી પૈસાની વ્યવસ્થા કરી 11-10-20119ના જતીનને સીનર્જી હોસ્પિટલની બાજુમાં આવેલી ઓફિસે આપવા ગયા હતા.
આ પૈસા ખુશ્બુ નામની એક યુવતીએ સ્વીકાર્યા હતા. બીજા દિવસે નયન પીએસઆઈને જામનગર રોડ ઘંટેશ્વર પાસે ફોર્ચ્યુન સેરેમનીમાં આવેલો ફ્લેટ બતાવવા લઈ ગયો હતો જ્યાં પીએસઆઈના મિત્ર દીપક મારિચી (પીએસઆઈ-આરપીએફ) પણ રહેતા હતા ત્યાં બધા મળ્યા હતા. જો કે ઘણા દિવસો વીતી જવા છતાં નયન પૈસા આપવાનું નામ લેતો ન હોય અને અવનવા બહાના કાઢી રહ્યો હોય પીએસઆઈ જેબલિયાને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. દરમિયાન 22-12-2024ના નયનને ફોન કરી બહુમાળી ચોક પાસે બોલાવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે હવે મેં જમીન-મકાનનું કામ બંધ કરી દીધું છે અને મારે તમને રૂપિયા આપવા પણ નથી, થાય તે કરી લેજો તેવું કહેતાં આખરે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી