ટ્રમ્પે ટેરિફ સ્થગિત કરતાં પહેલા શેર ખરીદવાની સલાહ આપતા વિવાદ
ટ્રમ્પે રેસીપ્રોકલ ટેરિફ 90 દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય સત્તાવાર રીતે જાહેર કર્યો તેની થોડીવાર પહેલા જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ ઉપર લોકોને શેર ખરીદવાની સલાહ આપતા અને એ પોસ્ટમાં પોતાની મીડિયા કંપનીનો વિશેષ ઉલ્લેખ કરતા ભારે વિવાદ થયો છે. ટ્રમ્પે સત્તાવાર રીતે નિર્ણયની જાહેરાત કરી તે પછી અમેરિકન સ્ટોપ માર્કેટસમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો હતો.પણ સૌથી વધારે ઉછાળો ટ્રમ્પની મીડિયા કંપની અને મસ્કની ટેસલા ના ભાવમાં આવ્યો હતો.ટ્રમ્પે સત્તાવાર જાહેરાત પહેલા જ આવો સંકેત આપી અને માર્કેટ મેનીપ્યુલેશન અને ઇનસાઇડ ટ્રેડિંગ કર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
બુધવારે બજારો ખુલ્યાના થોડા સમય બાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર બે પોસ્ટ્સ કરી હતી. “શાંત રહો! બધું સારું થઈ જશે. યુએસએ પહેલા કરતાં વધુ મોટું અને સારું બનશે!” તેમણે લખ્યું, અને ત્યારબાદ રોકાણકારોને સીધો સંદેશ આપતી બીજી પોસ્ટ કરી: “આ ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે!!! DJT.” મહત્વની વાત એ છે કે DJT એ ટ્રમ્પની સોશિયલ મીડિયા કંપનીનું ટીકર છે.અર્થાત્ ટ્રમ્પે તેમની કંપનીના શેર ખરીદવા લોકોને સીધો જ સંદેશો આપી દીધો હતો.
તેમની એ પોસ્ટને પગલે અમેરિકાના મુખ્ય સૂચકાંકોમાં નાત્યાત્મક ઉછાળો આવ્યો હતો. એક ઝાટકે અમેરિકન સ્ટોક માર્કેટમાં ચાર ટ્રીલીયન ડોલરના મૂલ્યનો વધારો થયો હતો. ટ્રમ્પની મીડિયા કંપનીના ભાવમાં 22.67 ટકાના ઉછાળા સાથે 415 મિલિયન ડોલરનો મૂલ્ય વૃધ્ધિ થઈ હતી.એલોન મસ્કની માલિકીની ટેસ્લા કંપનીના શેરના ભાવ 22.69 ટકા વધ્યા હતા.
આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ડેમોક્રેટ સાંસદોએ ટ્રમ્પ સામે માર્કેટમાં હેરાફેરી અને ઇનસાઇડર ટ્રેડિંગના આક્ષેપ કરી તપાસની માંગણી કરી હતી.