હાલ સમગ્ર ગુજરાતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરના લોકો પણ હર્ષોલ્લાસ સાથે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે જામનગરમાં ફૂડ પોઇનઝનિંગની ઘટના સામે આવી હતી જેમાં પંડાલમાં પ્રસાદ લીધા બાદ ૧૦૦થી વધુ વ્યકિતની તબિયત લથડી હતી. ત્યારે તમામને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર આ ઘટના જામનગરના હાપા વિસ્તારની છે જ્યાં એલગ્ન સોસાયટીમાં ગણેશ પંડાલમાં ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં આ ભોજન સમારંભમાં સોસાયટીનાં લોકોએ બટેટા સાથે ભાત આરોગ્યા હતા જે બાદ 100થી વધુ લોકોની તબિયત લથડી હતી. ફૂડ પોઇનઝનિંગની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી. દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતાં જીજી હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ અસરગ્રસ્તોથી ઊભરાયો હતો. ત્યારે બેડની અછત પડતાં લોકો જમીન પર સારવાર લેતા નજરે પડ્યાં હતા. દર્દીઓને તબીબ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ત્વરિત સારવાર આપવામાં આવી હતી. હાલ, મોટાભાગનાં દર્દીઓની હાલતમાં સુધારો થયો છે. લોકોને ફૂડ પોઇઝનિંગ કયાં કારણોસર થયું તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.