પંજાબમાં નાપાક જાસુસી નેટવર્ક ભેદવામાં પોલીસને મોટી સફળતા
પંજાબમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ નું નેટવર્ક ભેદવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પંજાબ પોલીસે, નાણાં લઈને ભારતની લશ્કરી ગતિવિધિઓ અંગેની સંવેદનશીલ માહિતી આપનાર બે ગદ્દારોની ધરપકડ કરી હતી.
આ બન્નેના તાર દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત અધિકારી સાથે જોડાયેલી જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ બંને શખ્સો સામે ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી તેમના પાકિસ્તાની હેન્ડલર્સને લીક કરવાનો આરોપ છે.
પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવના જણાવ્યા અનુસાર, ભારતીય સૈન્યની હિલચાલ વિશે સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં સ્થિત હેન્ડલરને મોકલનાર એક વ્યક્તિની પહેલા ધરપકડ કરવામાં આવી હતી, અને તેની પૂછપરછથી બીજી વ્યક્તિની ઓળખ થઈ હતી જે નેટવર્કમાં મુખ્ય મધ્યસ્થી હોવાનું માનવામાં આવે છે. આરોપીઓ ગુપ્ત માહિતીના બદલામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા નાણાં મેળવતા હતા. પકડાયેલા બંને શખ્સો પાકિસ્તાની હેન્ડલર સાથે નિયમિત સંપર્કમાં હતા અને તેમની સૂચનાઓ અનુસાર અન્ય સ્થાનિક ઓપરેટિવ્સને ચેનલમાં સામેલ કરતા હતા. આ ઓપરેશન દરમિયાન બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.ડીજીપીએ આ ઓપરેશનને ક્રોસ-બોર્ડર જાસૂસી નેટવર્કને નષ્ટ કરવામાં નોંધપાત્ર પગલું ગણાવ્યું હતું.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પણ અમૃતસરમાં સૈન્ય છાવણી વિસ્તારો અને એર બેસની તસવીરો અને સંવેદનશીલ વિગતો પાકિસ્તાન સ્થિત એજન્ટો સાથે શેર કરવા બદલ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના મોબાઈલ ફોનમાંથી સંવેદનશીલ સ્થળોની અનેક તસવીરો અને પાકિસ્તાની ફોન નંબરો મળી આવ્યા હતા.એ બન્નેની પૂછપરછ બાદ વ્યાપક નેટવર્કનો પર્દાફાશ થયો હતો અને બાદમાં રવિવારે આ બે શખ્સોને ઝડપી લેવાયા હતા.