જામનગર-અમૃતસર એક્સપ્રેસ વેની હાલત ખરાબ : વીડિયો વાયરલ થયા બાદ ગડકરીનું આકરું પગલું, પ્રોજેક્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ
ગુજરાતમાં જામનગર – અમૃતસર એક્સપ્રેસવેમાં અનેક સ્થળે ગાબડા પડી ગયા છે અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ બિસ્માર રસ્તાની હાલતનો વીડિયો વાયરલ થયા બાદ મંત્રાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને નેશનલ હાઈ વે ઓથોરિટીનાં પ્રોજેક્ટ ડાયરેક્ટરને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. એટલું જ નહી કોન્ટ્રાક્ટરને પણ બ્લેક લીસ્ટ કરવામાં આવ્યો છે.

અમૃતસર-જામનગર એક્સપ્રેસવેને ઇકોનોમિક કોરિડોર (NH-754) તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં તે કુલ લંબાઈ 130 કિમી ધરાવે છે. પરંતુ છ લેનના આ એક્સપ્રેસ વેના સાંચોર-સાંતલપુર સેક્શનમાં કેટલીક જગ્યાએ ફૂટપાથની હાલત બહું ખરાબ હતી. જેનો કેટલાક જાગૃત નાગરિકોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. આ વાયરલ વીડિયોને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ધ્યાને લીધો હતો.

અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોરના ગુજરાતના વિસ્તારના અને ખાસ કરીને આણંદનાં સાંતલપુર વિસ્તારમાં આવેલા 10 પેચમાં ફૂટપાથની ખરાબ સ્થિતિની માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને ફરિયાદો મળી હતી. તપાસ દરમિયાન આ સ્થિતિ ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટના જામનગર હાઇ-વે પાસેના એક ફાર્મમાં શૈક્ષણિક સંસ્થાની પાર્ટી (રંગ)માં પોલીસે ભંગ પાડ્યો! વાંચો શું છે સમગ્ર મામલો
એક્સપ્રેસવેના ખસ્તાહાલને લઈને કાર્યવાહીના ભાગરૂપે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પાલનપુર ખાતેના પ્રોજેક્ટ ડિરેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ એક્સપ્રેસવેનું કામ કરનાર કોન્ટ્રાક્ટર કંપનીને કોઈપણ ટેન્ડરની હરાજીમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથોસાથ ઓથોરિટીના ઇજનેરને પણ કારણદર્શક નોટિસ આપીને હરાજીમાં ભાગ લેવા પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
અમૃતસર-જામનગર એક્સપ્રેસવેના ફૂટપાથની આ ખરાબ સ્થિતિની તપાસ માટે IIT-BHU, IIT-દિલ્હી, IIT-ગાંધીનગરના નિવૃત્ત અને વર્તમાન પ્રોફેસરોની સાથે નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવી છે. નિષ્ણાત સમિતિઓ સ્થળની મુલાકાત લઈ ફૂટપાથની સ્થિતિની સમીક્ષા કરીને પોતાનો રિપોર્ટ આપશે.