3 વર્ષમાં એન્જિનિયરિંગમાં સૌથી ઓછું રજિસ્ટ્રેશન, જાણો શા માટે ઘટી રહી છે વિદ્યાર્થીઓની સંખ્યા
ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી થતાં છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌથી ઓછું રજીસ્ટ્રેશન એન્જિનિયરિંગની સીટ માટે નોંધાયું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે 140 ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની 79,544 બેઠક ઉપરની પ્રવેશ પ્રક્રિયાના અંતે 39,225 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આ રજિસ્ટ્રેશનમાં શૈક્ષણિક વર્ષ 2023 માં 40,17, 2024 માં 41,642 ની સામે આ વર્ષે 2025- 26 માં 39,225 વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેની પાછળનું કારણ એમ પણ સામે આવી રહ્યું છે કે, ધોરણ 12 સાયન્સ બી ગ્રુપમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.જેની સામે આ વર્ષે એ ગ્રુપમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે.
ગુજરાતની 16 સરકારી, ત્રણ ગ્રાન્ટ ઇન, 121 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી કુલ 140 કોલેજની 79 થી 544 બેઠકો પર પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રજીસ્ટ્રેશન ધરાવનાર વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ ત્રીજી જૂને જાહેર કરવામાં આવશે. જ્યારે ફાઇનલ મેરીટ 6 જૂને જાહેર થશે.
એન્જિનિયરિંગ બાદ સારા પેકેજ મળતા નથી એટલે “A”ગ્રૂપમાં સંખ્યા ઘટી રહી છે
લાખો રૂપિયાના ખર્ચે એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવ્યા બાદ સારા પેકેજ મળતાં નથી,બી.ટેક અને માસ્ટર કર્યા પછી પણ 25 થી 30 હજારની નોકરી મળતી હોવાથી હવે વિદ્યાર્થીઓએ એ ના બદલે બી ગ્રુપ કે અન્ય કોર્સ તરફ જઈ રહ્યા હોવાનું ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ જતીનભાઈ ભરાડએ જણાવ્યું હતું.મેડિકલ અને પેરામેડિકલ માટેનો ક્રેઝ થોડા સમયથી વધી રહ્યો હોવાનું એક કારણ એ પણ છે કે એન્જીયરિંગ માટે વિધાર્થીઓ ઓછો રસ ધરાવે છે.
દર વર્ષ કરતાં 2000 વિધાર્થીઓ ઓછા પાસ થયાં
એસીપીસીનાં સભ્યનાં મત મુજબ આ વર્ષે 2000 જેટલા વિદ્યાર્થીઓ ઓછાં પાસ થયા છે.જેનાં કારણે રજિસ્ટ્રેશનમાં અસર થઈ છે તો ઘણાં વિધાર્થીઓ JEE કે અન્ય રાજ્યની એન્જીનીયરીંગ કોલેજની પ્રવેશ પરીક્ષા આપી ગુજરાત બહાર એન્જીયરિંગ માટે જતાં હોવાથી દર વર્ષની સંખ્યામાં આ વખતે ઓછું રજિસ્ટ્રેશન થયું છે.