ગુજરાતમાં થઈ HMPV વાયરસની એન્ટ્રી : અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું
વિશ્વને હચમચાવી દેનારા કોવિડ-19 રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે દસ્તક દીધી છે. ભારતમાં આ વાયરસના ત્રણ કેસ નોંધાઈ ચૂક્યા છે. કર્ણાટક અને બેંગલોર બાદ હવે ગુજરાતીઓ માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ICMR દ્વારા શું અપડેટ?
કર્ણાટકમાં હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV)ના કેસ મળ્યા હોવાના મીડિયા અહેવાલો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કર્ણાટકમાં હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV)ના બે કેસ શોધી કાઢ્યા છે. બંને કેસની ઓળખ નવા શ્વસન વાયરલ સંબંધી બિમારીઓ પર નિયમિત દેખરેખ રાખવા દરમિયાન કરવામાં આવી હતી, જે દેશભરમાં શ્વસન સંબંધી બીમારીઓથી દેખરેખ માટે ICMR દ્વારા ચાલી રહેલા પ્રયાસોનો ભાગ જ છે.
સ્વાસ્થ્ય વિભાગે શું કહ્યું?
સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે ‘અમે અમારી લેબમાં તેનો ટેસ્ટ નથી કર્યો. એક ખાનગી હોસ્પિટલમાં આ વાઈરસના કેસની પુષ્ટી થઈ છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ શંકા કરવાનું કોઈ કારણ દેખાતું નથી. ઉલ્લેખનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં ડિટેક્ટ થાય છે. તમામ ફ્લૂ સેમ્પલમાંથી 0.7% HMPVના હોય છે. આ વાઈરસનો સ્ટ્રેઈન શું છે તે હજુ જાણી શકાયું નથી.’
આ વાઈરસના લક્ષણો શું છે?
આ વાઈરસને હ્યુમન હ્યુમન મેટાન્યૂમો વાઈરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.