આત્મીય યુનિ. પાછળ અને પેડક રોડ પર બોક્સ ક્રિકેટ બનાવશે મહાપાલિકા
એક જ એજન્સીએ રસ દાખવતાં એક સ્થળે ભાવેભાવ અને બીજા સ્થળે ૩% ઓન'થી કામ આપવા દરખાસ્ત
રાજકોટમાં ઘણા લાંબા સમયથી બોક્સ ક્રિકેટનું ચલણ વધી રહ્યું હોય હવે મહાપાલિકા દ્વારા પણ લોકોને આ સુવિધા મળી રહે તે માટે બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ઘણા લાંબા સમય પહેલાં ઈરાદો જાહેર કરી દેવાયો હતો પરંતુ તે સમયે કોઈ એજન્સીએ કામ માટે રસ દાખવ્યો ન્હોતો.
આ પછી ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જતાં ટેન્ડર મંજૂર કરવા સહિતની કામગીરીને બ્રેક લાગી ગઈ હતી. આચારસંહિતા પૂર્ણ થયા બાદ આવતીકાલે પહેલી વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી રહી છે જેમાં આત્મીય યુનિવર્સિટી પાછળ અને પેડક રોડ પર એમ બે સ્થળે બોક્સ ક્રિકેટ બનાવવા માટે એજન્સીને કામ આપવાની દરખાસ્ત મુકવામાં આવી છે. વોર્ડ નં.૧૦માં આત્મીય યુનિવર્સિટી પાછળ ગોખકામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ સ્કૂલ તેમજ રમત-ગમત હેતુના પ્લોટમાં ૩૪.૧૩ લાખના ખર્ચે ૪૦ મીટર લંબાઈમાં ચારે બાજુ નેટ બાંધવામાં આવશે જેની ઉંચાઈ ૪૦ ફૂટ રહેશે અને ૧૦ બાય ૧૦ ફૂટની સિક્યોરિટી કેબિન તેમજ સ્ટોર રૂમ ઉપરાંત ૯૦૦ ચોરસ મીટરમાં પાથ-વે માટે પેવિંગ બ્લોક નાખવામાં આવશે. આ માટે જય ઈન્ડસ્ટ્રીઝે ભાવેભાવ કામ કરવા માટે તૈયારી દર્શાવ્યા બાદ વધુ એક વખત તેની સાથે ભાવ ઘટાડવા બાબતે વાટાઘાટ કરાતાં તેમાં ૧%નો ઘટાડો કરવા એજન્સી તૈયાર થયા બાદ હવે ૩૩,૭૮,૪૩૪ના ખર્ચે જય ઈન્ડસ્ટ્રીઝને આ કામ આપવાની દરખાસ્ત કરાઈ છે. આ જ રીતે વોર્ડ નં.૫માં પેડક રોડ પર અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ પાસે ૩૪.૨૫ લાખના ખર્ચે બોક્સ ક્રિકેટ બનાવવાના કામ માટે પણ જય ઈન્ડસ્ટ્રીઝે રસ દાખવ્યો છે. જો કે આ માટષ તેણે ૪%
ઓન’ માંગતાં બેઠકના અંતે `ઓન’માં ૧% ઘટાડો કરવા તૈયારી દર્શાવતાં હવે ૩૩,૯૦,૧૧૬ના ખર્ચે કામ આપવા દરખાસ્ત કરવામાં આવી છે.