હેલ્મેટ હાઈ-વે ઉપર બરાબર છે, શહેરી વિસ્તારમાં વ્યાજબી નથી : પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાનો મુખ્યમંત્રીને પત્ર
ડીજીપીના આદેશથી રાજ્યમાં ફરીથી હેલ્મેટ માટે ઝુંબેશ શરુ થઇ છે અને લોકો દંડાવા લાગ્યા છે. ડીજીપીએ ભલે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જ ચેકિંગનો આદેશ આપ્યો હોય પરંતુ પોલીસ બધા લોકોને દંડી રહી છે ત્યારે સુરત ઉત્તરના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રાજ્યના શહેરી વિસ્તારમાં વાહનચાલકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે.
એક પત્રમાં ધીરુભાઈ ગજેરાએ કહ્યું છે કે, હેલ્મેટનો કાયદો હાઈ-વે ઉપર કે જ્યાં વાહનો ૫૦ કિલોમીટરની ઝડપે ચાલતા હોય છે ત્યાં બરાબર છે પરંતુ શહેરી વિસ્તારમાં વાહનો ધીમાં ચાલતા હોય છે. વધુમાં દર ૧૦૦ થી ૨૦૦ મીટરમાં સિગ્નલ અથવા સ્પીડ બ્રેકર આવતા હોય છે ત્યાં હેલ્મેટનો આગ્રહ રાખવો વ્યાજબી નથી.
તેમણે કહ્યું છે કે, ટુવ્હીલરનો ઉપયોગ મોટાભાગે મધ્યમ અને ગરીબ વર્ગનાં લોકો વધારે કરતા હોય છે. અને તેઓ નિયમોને બંધાયેલા હોય છે. હાલમાં ગરમીની સીઝન ચાલુ થઈ છે ત્યારે મોટી સમસ્યા ઉભી થાય છે. આજનો માનવી અલગ અલગ દવા ઉપર આધારિત હોય છે અને કોઈને કોઈ બીમારી ધરાવતો હોય છે. આવી સ્થિતિમાં હેલ્મેટ પહેરીને ચાર રસ્તે ઉભું રહેવું અસહ્ય હોય છે. આવી સ્થિતિ લોકોના આરોગ્ય માટે હાનીકારક બની શકે છે.
તેમણે એવી ફરિયાદ પણ કરી છે કે, રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે અને તેના ઉપર કોઈ આડશ નહિ હોવાથી ગરીબ લોકો તેનો ભોગ બને છે. રસ્તા ઉપર દબાણો હોય છે, ગેરકાયદેસર પાર્કિંગ હોય છે અને તે અંગે મહાપાલીકા કે પોલીસ તંત્ર કાંઇ કરતુ નથી.
કોઈ પણ કાયદો કે નિયમો પ્રજાની સુરક્ષા માટે અને સુખાકારી માટે હોવા જોઈએ, ત્રાસ થાય તેવા ન હોવા જોઈએ તેમ જણાવી ધીરુભાઈ ગજેરાએ હેલ્મેટમાંથી મધ્યમ અને ગરીબ વર્ગને મુક્તિ આપવા માંગણી કરી છે.
આ પત્રની નકલ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આપી છે.