ગાંધીનગર : દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, ૧૦ ભાવિકો ડૂબ્યા ; તહેવારની ઉજવણી માતમમાં ફેરવાઈ
રાજ્યમાં ઠેર-ઠેર ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે તો અનેક સ્થળે બાપ્પાનું વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગણેશ વિસર્જન દરમિયાન ૧૦ ભાવિકો ડૂબ્યા હતા. ત્યારે ઘટના જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
મળતી વિગતો અનુસાર આ ઘટના ગાંધીનગર પાસે દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામની છે જ્યાં મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે જ 10 જેટલાં લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ગણેશ વિસર્જનની અડધી કલાક પહેલાં ન્હાવા પડ્યા’ને મોત મળ્યું. યુવાનોના મૃત્યુના લીધે તહેવારની ઉજવણી અચાનક જ માતમમાં ફેરવાઈ ગઇ હતી.
ગણપતિ વિસર્જન કરવા માટે ગયેલા 10 ભાવિકોનો ગણેશ વિસર્જન થાય એ પહેલા જ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અરેરાટીભરી ઘટનાથી ગામમાં ગમગીનીભર્યું વાતાવરણ સજાર્યું છે. પોલીસ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પાટણ: ગણેશ વિસર્જન વખતે એક જ પરિવારના 7 લોકો પાણીમાં ડૂબ્યા
ઉલ્લેખનીય છે કે, પાટણ શહેરમાં બે દિવસ પહેલા સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે એક પરિવારના સભ્યો આવ્યા હતાં. ત્યારે પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીના કિનારે આવ્યા હતાં. પરંતુ ગણેશ વિસર્જન કરતી વખતે પ્રજાપતિ પરિવાર સહિત સાત સભ્યો પાણીમાં ગરકાવ થયા હોવાની ઘટના સર્જાઈ છે. જોકે તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતાં. જ્યારે એક યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે. અન્ય ડૂબી ગયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.