ગુજરાત રાજ્ય બીજ નિગમનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ
કૃષિ મંત્રી જીતુ વાઘાણી – રાજ્ય મંત્રી રમેશ કટારાએ 2024-25ના વર્ષ માટે 169 ટકાના દરે ડિવીડન્ડની 6.33 કરોડ રકમ રાજ્ય સરકારને આપી
સ્થાપના કાળથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારને 42.82 કરોડ રૂપિયાનું ડિવીડન્ડ ચૂકવ્યું
ગુજરાત રાજ્ય બીજ નિગમ મસાલા પાકોમાં 30 ટકા – ધાન્ય પાકોમાં 19 – કઠોળ પાકોમાં 14 અને તેલિબિયા પાકોમાં 10 ટકા બિયારણ ઉત્પાદન-વિતરણ કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા 2024-25ના વર્ષના ડિવીડન્ડ પેટે રૂ. 6.33 કરોડનો ચેક કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશ કટારાએ અર્પણ કર્યો હતો.
રાજ્યના ખેડૂતોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રમાણિત બિયારણ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ કાર્યરત કરવામાં આવેલુ છે. નિગમે તેની સ્થાપનાના વર્ષથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારને કુલ 42.82 કરોડ રૂપિયાનું ડિવીડન્ડ ચૂકવ્યું છે.
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ સજ્જ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
‘ગુરાબિની’ બ્રાન્ડ હેઠળ રાજ્યમાં અને રાજ્ય બહાર પણ ખ્યાતિ પામેલા નિગમના બિયારણોની મોટી માંગ રહે છે. એટલું નહિ, 1070 ક્વિન્ટલ ઉત્પાદન અને 835 ક્વિન્ટલ વિતરણથી શરૂ થયેલી બીજ નિગમની સફળતા 2024-25માં 3 લાખ 34 હજાર 739 ક્વિન્ટલ ઉત્પાદન અને વિતરણ સુધી વિસ્તરી છે.
રાજ્યમાં પ્રમાણિત બીજની જરૂરિયાત સામે ગુજરાત રાજ્ય બીજ નિગમ મસાલા પાકમાં 30 ટકા, ધાન્ય પાકોમાં 19 ટકા, કઠોળ પાકોમાં 14 ટકા અને તેલિબિયા પાકોમાં 10 ટકા બિયારણ ઉત્પાદન અને વિતરણ કર્યુ છે.
મુખ્યમંત્રીને 2024-25ના વર્ષના ગુરાબિની ના આ ડિવીડન્ડ ચેક અર્પણ અવસરે મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, કૃષિ-ખેડૂત કલ્યાણ નિગમના અગ્ર સચિવ આર.સી. મીના, નિગમના એમ.ડી. રાજપૂત અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
